Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

આઇઓસી મલેશીયાની પેટ્રોનાસ સાથેના સંયુકત સાહસને વેચી શકે છે ૩૨૦૦૦ પેટ્રોલ પંપ

પેટ્રોનાસ સાથે આઇઓસીની એલપીજી આયાત માટે બે દાયકાની ભાગીદારી

નવી દિલ્હી, તા.૩: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) જે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની છે, પોતાના ૩૨,૩૦૦થી વધારે પેટ્રોલ પંપો મલેશીયાની પેટ્રોનાસ સાથેના સંયુકત સાહસને વેચી શકે છે. જેથી કંપનીના વિશાળ ફયુલ માર્કેટીંગ નેટવર્કનું મુદ્રીકરણ કરી શકાય. કંપનીના ડાયરેકટર (ફાઇનાન્સ) એસ કે ગુપ્તાએ સોમવારે આ માહિતી આપી હતી.

આઇઓસી એલપીજીની આયાત માટે પેટ્રોનાસ સાથે બે દાયકાથી ૫૦-૫૦ ટકા ભાગીદારી સાથે જોડાયેલી છે. આ સંયુકત સાહસનું નામ ઇન્ડીયન ઓઇલ પેટ્રોનાસ પ્રાઇવેટ લીમીટેડ (આઇ પી પીએલ) છે જે હવે ઇંધણ અને કુદરતી ગેસના માર્કેટીંગમાં વિસ્તરણ કરવા માંગે છે.

સાર્વજનિક કંપનીઓ લોટરીના ડ્રો દ્વારા ડીલરોની નિમણૂંક કરતી હોય છે પણ આઇપીએલ આ નિયમો હેઠળ પેટ્રોલ પંપ એલોટ નહીં કરે. આ સંયુકત સાહસ વ્યાપારી શરતો સાથે જગ્યા અને તેના ઓપરેટરની પસંદગી કરશે.

ગુપ્તાએ કહયું કે અમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે. આઇ પી પીએલ નવા રીટેઇલ આઉટલેટ પણ શરૂ કરી શકે છે. તે નેશનલ હાઇવે પરના પેટ્રોલ પંપો પર અન્ય સુવિધાઓ પણ ઉભી કરી શકે છે. અને અમે અમારા કેટલાક જૂના પેટ્રોલ પંપો સંયુકત સાહસને વેચીને નાણાં પણ ઉભા કરી શકીએ છીએ.

આઇ પી પીએલ એવા પેટ્રોલ પંપો પણ સ્થાપિત કરી શકે છે જે ફકત પેટ્રોલ-ડીઝલ જ નહીં વેચે પણ ઇવી ચાર્જીગ અને બેટરી સ્વેપીંગ પોઇન્ટની સાથે સાથે સીએનજી, એલએનજી, એલપીજી ડીસ્પેન્સીંગ સુવિધા પણ આપશે. આ પંપો એવા આઉટલેટસ જેવા હશે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુકેની તેની ભાગીદાર બીપી પીએલસી સ્થાપિત કરી રહયા છે.

(12:52 pm IST)