Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ત્રીજી લહેર આવી પહોંચી???

કેરળ જ નહીં દેશના ૧૩ રાજયોમાં વધ્યા નવા કેસ

નવી દિલ્હી, તા.૩: કેરળ જ નહીં પણ તેના પાડોશી રાજયોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધી રહયા છે. અઠવાડીયામાં દેશના ૧૩ રાજયોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ફકત તમિલનાડુ એવું રાજય છે જયાં સંક્રમણના કેસોમાં કોઇ ફેરફાર નથી થયો.

ઉત્તર ભારતના પહાડી રાજયોમાં પણ ૨૬ જુલાઇથી ૧ ઓગષ્ટના અઠવાડીયામાં ગયા અઠવાડીયાની સરખામણીમાં નવા કેસો વધી ગયા છે. સમાચારો અનુસાર, હિમાચલ પ્રદેશમાં આ વધારો ૬૪ ટકા છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. અહીં નવા કેસો રોજના ૬૭૦થી વધીને ૧૧૦૦ સુધી પહોંચી ગયા છે. ઉત્તરાખંડમાં પણ નવા કેસ ૬૧ ટકા વધી ગયા છે. અહીં નવા કેસ ૨૭૨ થી વધીને ૪૩૭ થયા છે.

જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાના કેસ ૨૬ ટકા વધી ગયા છે. દિલ્હીમાં એક અઠવાડીયા પહેલા ૩૮૧ નવા કેસ આવ્યા હતા પણ હવે ત્યાં સંક્રમણ ૧૬ ટકા વધી ગયું છે. તો પાડોશી રાજય હરિયાણામાં પણ કોરોના કેસમાં ૨ ટકાનો વધારો થયો છે.

જો કે કુલ સંખ્યા જોવામાં આવે તો કેરળમાં કોરોનાના કેસોમાં સાપ્તાહિક વધારો બહુ વધારે છે. ગયા અઠવાડીયે રાજયમાં કોરોનાના ૧,૪૦ લાખ નવા કેસો આવ્યા, અહીં રોજે રોજ ૨૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે જેનાથી કુલ કેસમાં ૨૭ ટકાનો વધારો થયો.

મોટી વાત એ છે કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજય મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસ ૧૧ ટકા ઘટયા છે. રાજયમાં ગયા સપ્તાહે ૪૫૨૭૨ નવા કેસ આવ્યા હતા જે તેની પહેલાના અઠવાડીયે ૫૦૭૩૨ હતા.

(3:06 pm IST)