Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સરકારે બિલ પાસ કર્યા કે 'પાપડી ચાટ' : તૃણમૂલના સાંસદના નિવેદનથી હોબાળો : PMએ સંસદનું અપમાન ગણાવ્યું

૧૦ દિવસમાં ૧૨ ખરડા પાસ : ૭ મિનિટનું એક ગણાય

નવી દિલ્હી તા. ૩ : સંસદના મોનસુન સત્રમાં પેગાસસ કેસ અને કૃષિ બિલ પર હોબાળો ચાલુ છે. હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે અનેક બીલ પસાર કરાવી લીધા છે હવે તેના પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે.

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને આ બિલોને સંસદ સત્રમાં ઉતાવળથી પાસ કરવાનો આરોપ લગાવીને કડક પ્રતિક્રિયા આપી છે. ડેરેક ઓ બ્રયાને કહ્યું કે સરકાર સંસદમાં ઉતાવળથી બિલ પસાર કરાવી રહી છે. ૭ મિનિટમાં એક બિલ સંસદમાંથી પસાર થયું છે. ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કરીને કહ્યું, પ્રથમ ૧૦ દિવસમાં મોદી - શાહે સાત મિનિટથી ઓછા સમયમાં ૧૨ બિલને પસાર કર્યા. આ અંગેના ટ્વિટને પીએમ મોદીએ અપમાનજનક ગણાવી દુઃખ વ્યકત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદી એકવાર ફરી સંસદની કાર્યવાહી ઠપ્પ થવાથી વિપક્ષ પર જોરદાર વરસ્યા. પીએમ મોદીએ તેને સંસદ, સંવિધાન અને લોકતંત્રનું અપમાન ગણાવ્યું. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના અન્ય નેતા સામેલ હતા. કેન્દ્રીય મંત્રી 'પાપડી ચાટ' વાળા નિવેદનને 'અપમાનજનક' ગણાવ્યું.

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવાને સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી સાંસદોએ દરેક એ પગલાં ઉઠાવવા જોઇએ જેનાથી ગૃહને સુચારૂ રીતે ચલાવી શકાય.

આ પહેલા બીજેપી સંસદીય દળની બેઠકમાં ઓબીસી વર્ગને મેડિકલના અભ્યાસમાં ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણ આપવા માટે સાંસદોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. બેઠકમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતા પણ સામેલ થયા. આ પહેલા ૨૭ જુલાઈના પણ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું હતું કે, આ પાર્ટી સંસદ નથી ચાલવા દેતી.

તેમણે કહ્યું હતું કે, જયારે કોવિડ-૧૯ પર બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવવાથી રોકયા. પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો કે કોંગ્રેસ વિપક્ષના આ કાર્યને જનતા અને મિડિયા સામે એકસપોજ કરે. પીએમ મોદીએ સાંસદોને કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ૭૫ ગામ જાય, ૭૫ કલાક રોકાય. ગામોમાં દેશની ઉપલબ્ધિઓ, દેશની આઝાદી આ તમામ ચીજો વિશે લોકોને જણાવે.

તેમણે કહ્યું કે, એ ખાતરી કરવી પડશે કે આઝાદીના ૭૫ વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન જનની ભાગેદારી હોવી જોઇએ. ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી વિવાદ, ત્રણ કૃષિ કાયદા સહિતના અનેક મુદ્દાઓને લઈને હોબાળાના કારણે રાજયસભાની બેઠક મંગળવારના શરૂ થતાની સાથે જ કેટલીકવાર બાદ બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ.

(3:41 pm IST)