Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સાંડેસરા બંધુઓની કંપનીઓ દ્વારા ભારતને ક્રૂડનું વેચાણ

સરકારી બેંકોને કરોડોમાં નવડાવીને નાસી ગયા : ભારતીય એજન્સી દ્વારા અત્યારસુધી સિપકો નાઈજિરિયાના ઓઇલ શિપમેન્ટ જપ્ત ન કરાયા હોવાની સરકારની સ્પષ્ટતા

 

નવી દિલ્હી, તા. : સરકારી બેંકોને ૧૫ હજાર કરોડમાં નવડાવીને નાઈજિરિયા ભાગી જનારા સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના પ્રમોટર્સ નીતિન અને ચેતન સાંડેસરાના નામોનો સોમવારે લોકસભામાં થયેલી ચર્ચામાં ઉલ્લેખ થયો હતો. એક લેખિત સવાલમાં એઆઈએમઆઈએમના હૈદરાબાદ બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પાસેથી જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી સાંડેસરાબંધુઓના નાઈજિરિયન બિઝનેસ શિપકો નાઈજિરિયા દ્વારા યુકેની ગ્લેનકોર કંપની મારફતે ઓઈલ શિપમેન્ટ્સ ભારતને વેચવામાં આવ્યા, અને ભારતીય એજન્સીઓ દ્વારા કેટલા શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યા? કેટલાક વિદેશી મીડિયાના અહેવાલોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાંડેસરાબંધુઓને ભારતીય કોર્ટો દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હોવા છતાંય તેઓ યુકેમાં નોંધાયેલી કંપની મારફતે ભારત સરકારની માલિકીની ઓઈલ કંપનીઓને ક્રુડ વેચી રહ્યા છે.

ઓવૈસી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી સિપકો નાઈજિરિયાના કોઈ ઓઇલ શિપમેન્ટ જપ્ત નથી કરાયા. જોકે, સરકારે સ્પષ્ટતા નહોતી કરી કે સરકારી ઓઈલ કંપનીઓ સાંડેસરા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી કોઈ ઓઈલ કંપની પાસેથી ક્રૂડ ખરીદે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરી.

નાણામંત્રીએ સંસદને જણાવ્યું હતું કે વિવિધ એજન્સીઓએ સાંડેસરા બ્રધર્સ સામે કાર્યવાહી શરુ કરી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ૨૨ જૂનના રોજ સેબીએ નીતિન અને ચેતન સાંડેસરાને સિક્યોરિટી માર્કેટ એક્સેસ કરવા પર તેમજ સેબીમાં રજિસ્ટર્ડ થયેલી કોઈપણ કંપનીમાં મેનેજમેન્ટ પોઝિશન લેવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે.

સાંડેસરા બંધુઓની ૧૪,૫૦૦ કરોડ રુપિયાની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત  કરવામાં આવી છે, જેમાં ઓઈલ રિગ્સ, પ્રાઈવેટ જેટ અને લક્ઝરી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. પ્રોપર્ટી અમેરિકા, યુકે તેમજ દુબઈમાં આવેલી છે અને તેની વેલ્યૂ ૯૭૦૦ કરોડ આંકવામાં આવી છે. જોકે, અટેચમેન્ટ ઓર્ડર્સને કારણે સાંડેસરા બંધુઓના નાણાકીય વ્યવહારો પર કોઈ રોક ના લાગી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

કારણકે તેઓ હાલ પણ ગ્લોબલ ઓઈલ સપ્લાય ચેઈન ઓપરેટ કરી રહ્યા છે, અને તેમના બિઝનેસ ક્લાયન્ટ્સમાં ભારત સરકારની માલિકીની ઓઈલ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સાંડેસરા બંધુઓ સામે તપાસ કરી રહેલી વિવિધ એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો બંને ભાઈઓ પોતાના પરિવાર સાથે ૨૦૧૭માં ભારત છોડીને ભાગી ગયા હતા.

તેઓ નાઈજિરિયા અને અલબાનિયા વચ્ચે આવ-જા કરે છે અને બંને દેશોનું નાગરિકત્વ ધરાવે છે. ભારત દ્વારા સાંડેસરાબંધુઓનું પ્રત્યાર્પણ કરવાની દરખાસ્તને પણ ભૂતકાળમાં નાઈજિરિયા દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

(7:28 pm IST)