Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સંઘર્ષનો આવ્યો અંત: હિન્દુઓને વિદેશી ધરતી પર મળી અસ્થિ વિસર્જન માટે જગ્યા

બ્રિટનની ટૈફ નદીમાં હવેથી હિન્દૂ અને શીખ સમુદાયના લોકો અસ્થિ વિસર્જન કરી શક્શે

નવી દિલ્હી :ભારતીયો દુનિયાના કોઇ પણ ખૂણે જાય પોતાની સંસ્કૃતિ અને ધર્મને ક્યારે નથી ભૂલતા. દરેક ભારતીયની ઇચ્છા હોય છે કે તેનુ મૃત્યુ પોતાની ધરતી પર જ થાય પરંતુ કેટલીક વાર સમય અને સંજોગો સાથ નથી આપતા. કરિયર બનાવવા અને પૈસા કમાવા વિદેશની ધરતી પર વસેલા લોકોની આ ઇચ્છા તો પૂરી નથી થતી પરંતુ તેમના પરિજન ઇચ્છતા હોય છે કે તેમનું અંતિમ સંસ્કાર શાસ્ત્રોક વીધી અનુસાર થાય. પરંતુ આમ કરવામાં પણ વિદેશની ધરતી પર ઘણી મુશ્કેલી પડતી હોય છે.

બ્રિટનના વેલ્સમાં વસેલા હિંદુ અને શીખ સમુદાયના લોકોને ગુજરી ગયેલા લોકોની અસ્થિ વિસર્જન કરવા માટે જગ્યા મળી ગઇ છે. બ્રિટનની ટૈફ નદીમાં હવેથી બંને સમુદાયના લોકો અસ્થિ વિસર્જન કરી શક્શે. ગત શનિવારથી આની સત્તાવાર રીતે શરૂઆત થઇ ચૂકી છે.

2016 માં તૈયાર કરવામાં આવેલ અંતિમ સંસ્કાર ગ્રૃપ વેલ્સ (ASGW) ની અધ્યક્ષ વિમલા પટેલે જણાવ્યુ કે, કાર્ડિક કાઉન્સીલે આ નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો છે. સાઉથ વેલ્સમાં રહેતા લેંડફ રોવિંગ ક્લબ અને હિંદુ અને શીખ સમુદાયના સદસ્યોએ અંતિમ ખર્ચાઓને પૂરા કરવામાં પોતાનું યોગદાન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, વર્ષોના પરિશ્રમ બાદ હવે અમારી પાસે એક સ્વીકૃત વિસ્તાર છે જ્યાં પરિવાર આવીને પોતાના પ્રિયજનની અસ્થિઓનું વિસર્જન કરી શકે.

(8:49 pm IST)