Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પાસે જોરદાર વિસ્ફોટ સંરક્ષણ મંત્રીના ઘર પાસે વિસ્ફોટથી ખળભળાટ

વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યાં ઘણી સરકારી ઇમારતો અને વિદેશી રાજદ્વારીઓની રહેણાંક વસાહતો : આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ અને સહાય એજન્સીઓની કચેરીઓ પણ આ જ વિસ્તારમાં

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શહેરની મધ્યમાં જોરદાર વિસ્ફોટ થયો છે.શહેરના વ્યસ્ત વિસ્તારમાં જ્યાં વિસ્ફોટ થયો છે, ત્યાં ઘણી સરકારી ઇમારતો અને નજીકમાં વિદેશી રાજદ્વારીઓની રહેણાંક વસાહતો છે

રોઇટર્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ભવન, અનેક દૂતાવાસો અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ અને સહાય એજન્સીઓની કચેરીઓ પણ આ જ વિસ્તારમાં છે.

હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બીજી બાજુ અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં તાલિબાન અને સરકારી સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષ તીવ્ર બનવાના અહેવાલો પણ છે.

અફઘાન સમાચાર વેબસાઇટ ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર, કાબુલના શિરપુર વિસ્તારમાં અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રીના ઘર પાસે આ વિસ્ફોટ થયો છે.ઘટના અંગે વિસ્તૃત માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.

(10:35 pm IST)