Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોદીની પર્સનલ વેબસાઇટનું ટવીટર એકાઉન્ટ હેક

હેકરે કોવિડ-૧૯ રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગણી કરી- અડધો ડઝન કર્યા ટવીટઃ પીએમના આ એકાઉન્ટના ૨૫ લાખથી વધુ ફોલોઅર્સ છેઃ તાજેતરમાં ઓબામા, બિગ ગેટસ સહિતના ટવીટસ એકાઉન્ટ સાથે છેડછાડ થઇ હતી

નવી દિલ્હી, તા.૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. હેકરે કોવિડ-૧૯ રિલિફ ફંડમાં બિટકોઈન ડોનેટ કરવાની માગ કરી હતી. જો કે, આ ટ્વિટ્સ તાત્કાલિક ડિલિટ પણ કરી દીધા હતા. પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વિટર હેન્ડલ પર એક મેસેજમાં લખવામાં આવ્યું હતું: ' હું આપ સૌને અપીલ કરું છું કે, કોવિડ-૧૯ માટે બનાવાયેલા પીએમ મોદી રિલિફ ફંડમાં ડોનેટ કરો.'

અન્ય એક ટ્વિટમાં હેકરે લખ્યું, 'આ અકાઉન્ટ જોને વિક (hckindia@tutanota.com) દ્વારા હેક કરાયું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યું. જો કે, આ ટ્વિટ હવે ડિલિટ કરી નાખવામાં આવ્યા છે.

ટ્વિટરે પણ ગુરુવારે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ભારતીય પીએમ નરેન્દ્રભાઇ મોદીની અંગત વેબસાઈટના અકાઉન્ટને હેક કરાયું છે અને તેમાંથી ઘણા ટ્વિટ્સ કરાયા છે. ટ્વિટરે એમ પણ કહ્યું કે, અમે આ અકાઉન્ટને સુરક્ષિત કરવા માટેના પગલા લીધા છે. ટ્વિટરના એક પ્રવકતાએ કહ્યું કે, અમે આ સ્થિતિમાં સક્રિયતાથી તપાસ કરી રહ્યા છે. હાલ અન્ય કોઈ અકાઉન્ટ પ્રભાવિત થયા હોય તેની જાણકારી નથી..

ઉલ્લેખનીય છે કે, પેટીએમ મોલની ડેટા ચોરીમાં જોન વિક ગ્રુપનું નામ આવ્યું હતું. સાઈબર સિકયુરિટી ફર્મ સાઈબલે ૩૦ ઓગસ્ટે દાવો કર્યો હતો કે, જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો છે. સાઈબલનો દાવો હતો કે, આ હેકર ગ્રુપે ખંડણી માગી હતી. જો કે, પેટીએમે આ દાવાને નકારતા કર્યું હતું કે, ડેટા ચોરી થવા જેવી ઘટના બની નથી.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પર્સનલ વેબસાઇટ જે વેરિફાઇડ ટ્વીટર એકાઉન્ટ છે, તેના ૨૫ લાખથી વધુ ફોલોઅર્સ છે.

હેકર ગ્રુપનું નામ જોન વિક છે. ૩૦ ઓગસ્ટે સાઇબર સિકયોરિટી ફર્મ સાઇબલે દાવો કર્યો હતો કે જોન વિક ગ્રુપનો જ પેટીએમ મોલના ડેટા ચોરીમાં હાથ હતો. પેટીએમ મોલ યૂનીકોર્ન પેટીએમની ઈ-કોમર્સ કંપની છે. સાઇબલે દાવો કર્યો હતો કે આ હેકર ગ્રુપે ખંડણીની માગ કરી હતી. પરંતુ પેટીએમે કહ્યું કે, તપાસ દરમિયાન ડેટા ચોરી થવાની કોઈ ઘટના બની નથી.

જુલાઈ મહિનામાં એક આવી દ્યટના સામે આવી હતી જેમાં વોરેન બફેટ, જેફ બેજોસ, બરાક ઓબામા, જો બિડેન, બિલ ગેટ્સ અને એલોન મસ્ક સહિત ઘણી મોટી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ સાથે છેડછાડ થઈ હતી. આ લોકોના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા.

(10:33 am IST)