Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના પર નવા રિસર્ચથી મચ્યો ખળભળાટઃ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ચિંતા

સંક્રમિત થયા બાદ જે લોકોમાં બીજી વખત તપાસ કરવામાં આવે છેઃ તેમાં ૫ કેસમાંથી ૧ કેસ ફેક નેગેટિવ હોય છેઃ એટલે કે એવા લોકોના શરીરમાં વાયરસ જોવા મળે જ છે

લંડન, તા.૩: કોરોનાવાયરસને લઇને કરવામાં આવેલા નવા સ્ટડીમાં ખુલાસો થયો છે કે પહેલા જેટલું સમજવામાં આવતું હતું તેનાથી ઘણા લાંબા સમય સુધી કોરોના વાયરસ પીડિત વ્યકિતના શરીરમાં રહે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં મંગળવારે પ્રકાશિત થયેલી સ્ટડી મુજબ, સંક્રમિત થયા બાદ જે લોકોમાં બીજી વખત તપાસ કરવામાં આવે છે, તેમાં ૫ કેસમાંથી ૧ કેસ ફેક નેગેટિવ હોય છે. એટલે કે એવા લોકોના શરીરમાં વાયરસ જોવા મળે જ છે.

ઇટાલીના મોડેના યૂનિવર્સિટીના ડો. ફ્રેન્સેસ્કોની ટીમે ઇટાલીના ૧૧૬૨ દર્દીઓ પર સ્ટડી કરી તો PCR ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યાં હતા. પહેલા ટેસ્ટમાં ૧૫ દિવસ પછી બીજો ટેસ્ટ, પછી ૧૪ દિવસ પછી ત્રીજો ટેસ્ટ કરવામાં આવ્યો.

સીએનએનની રિપોર્ટ મુજબ, સ્ટડી દરમિયાન શોધકર્તાઓને ખબર પડી કે બીજા ટેસ્ટ દરમિયાન ૬૦ ટકા દર્દી નેગેટિવ થઇ ગયા છે. પરંતુ ત્રીજા ટેસ્ટમાં ખબર પડી કે તેમાં માત્ર ૭૮ ટકા દર્દી જ કોરોના નેગેટિવ છે. એટલે કે પાંચમાંથી એક ટેસ્ટ ફેક નેગેટિવ આવ્યો હતો. સંશોધનકારોએ કહ્યું કે તેનો મતલબ એ થઇ શકે છે કે વાયરસ વ્યકિતના શરીરમાં હાજર જ હતો.

સંશોધનકારોનું કહેવું છે કે દર્દીના શરીરમાં વાયરસ છે કે નહીં, આ શોધવા માટે એક મહીનો અથવા તેનાથી પણ વધારે સમય સુધી રાહ જોવાની જરૂરિયાત પડી શકે છે. કેટલીક વાર એવું પણ થાય છે કે દર્દીનો રિપોર્ટ વાસ્તવમાં નેગેટિવ હોય છે, પરંતુ તેના શરીરમાં દર્દ, સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો તેમજ ખરાબ મૂડની સમસ્યા યથાવત રહે છે.

ડો. વિલિયમ લી કહે છે કે કોરોના વાયરસ શરીરમાંથી ગયા પછી પણ તેની અસર છોડી દે છે. સંશોધનકારોને જાણવા મળ્યું છે કે વાયરસ રકતવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને જે પુરા શરીરને જોડે છે.

(10:35 am IST)