Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ

GII રેન્કિંગમાં પ્રથમવાર ભારત ટોપ-૫૦માં પહોંચ્યું

નવી દિલ્હી, તા.૩: વર્લ્ડ ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દર વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસ (GII) રેન્કિંગ જાહેર કરે છે. આ ગ્લોબલ ઇન્ડેકસમાં ભારતની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં સતત સારી થઈ છે. આ વર્ષે ભારતે લાંબી છલાંગ બાદ ટોપ-૫૦માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

 

GII ૨૦૨૦માં ભારતને ૪ સ્થાનનો ફાયદો થયો છે. હવે ભારત વૈશ્વિક સ્તર પર ૪૮માં નંબર પર આવી ગયું છે. પાછલા વર્ષે આ ઇન્ડેકસમાં ભારત ૫૨માં સ્થાને હતું. કોરોના સંકટ વચ્ચે ભારત માટે આ ખુબ સારા સમાચાર છે, ચીન આ લિસ્ટમાં ૧૪માં નંબર પર છે.

આ યાદીના ટોપ-૫માં સ્વિત્ઝર્લેન્ડ, સ્વીડન, યૂએસ, યૂકે અને નેધરલેન્ડ છે. જયારે ભારત, ચીન, ફિલીપીન્સ અને વિયતનામે સતત સારા ઇનોવેશનની મદદથી પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી છે.  GII રેન્કિંગમાં આ દેશોને સૌથી મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા તરીકે દેખાડવામાં આવી છે.

આ ઇન્ડેકસમાં ભારતને છેલ્લા ૫ વર્ષોમાં સતત સફળતા મળી છે. ૨૦૧૫માં ભારત ગ્લોબલ ઇન્ડેકસમાં ૮૧માં નંબર પર હતું. ત્યારબાદ ૨૦૧૬માં ૬૬ પર પહોંચ્યું, ૨૦૧૭માં ૬૦ પર પહોંચ્યું, ૨૦૧૮માં ૫૭માં ક્રમે અને ૨૦૧૯માં ૫૨માં સ્થાને હતું. રસપ્રદ વાત તે છે કે મધ્ય અને દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ સ્થાન પર છે.

ભારતે જીઆઈઆઈની બધા કેટેગરીમાં પોતાની સ્થિતિ સારી કરી છે. આઈસીટી સર્વિસ એકસપોર્ટસ, ગવર્નમેન્ટ ઓનલાઇન સર્વિસ, સાયન્સ અને એન્જિનિયરિંગમાં ગ્રેજયુએટની સંખ્યા અને આરએન્ડડી ઇન્ટેસિવ ગ્લોબલ કંપની જેવા ઇન્ડિકેટરોમાં ભારત ટોપ-૧૫માં છે. આઈઆઈટી મુંબઈ અને દિલ્હી, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરૂ જેવી સંસ્થાઓ અને ટોપ સાઇન્ટિફિક પબ્લિકેશન્સના દમ પર ભારતે આ મુકામ હાસિલ કર્યો છે.

(10:37 am IST)