Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકોટમાં હાર્દિકનું 'ઓપરેશન ભાજપ'

વોર્ડ નં.૫ ના કોર્પોરેટર ભાજપને રામ-રામ કરી ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા : હજુ પાંચ કોર્પોરેટરો લાઇનમાં : હાર્દિકનો ધડાકો

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ ધારાસભ્યના વોર્ડના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પુત્ર સહિત ભાજપના ૨૫થી વધુ કાર્યકરોનો કોંગ્રેસમાં પ્રવેશ : ભાજપમાં કાર્યકરોનું સતત અપમાન અને લોકોને મૂર્ખ બનાવવાના ધંધાથી હવે ખૂદ ભાજપના લોકો જ કંટાળ્યા છે : મુખ્યમંત્રીના હોમટાઉનથી ભાજપમાં ભંગાણ પડવાનું શરૂ થયું છે : આ સીલસીલો હજુ આગળ વધશે : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદમાં શહેર ભાજપની ઝાટકણી કાઢી

રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટર અને બે મહિલા આગેવાન તથા ભાજપ મહામંત્રી અને અ.ભા.વિ.પ. સહિતના કાર્યકરોએ આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા તે વખતની તસ્વીરમાં હાર્દિક પટેલ સાથે ડો. હેમાંગ વસાવડા, અશોક ડાંગર, વશરામ સાગઠિયા, મનસુખ કાલરિયા, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદી, રહીમભાઇ સોરા વગેરે આગેવાનો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં કોંગ્રેસમાં જોડાયેલા ભાજપ કોર્પોરેટર તથા કાર્યકરોનો સમૂહ દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩ : મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં શહેર ભાજપમાં જબરૂ ગાબડુ પાડવામાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને સફળતા મળી છે. આજે સામાકાંઠાના વોર્ડ નં. ૫ કે જ્યાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ કોર્પોરેટર છે તેના જ સાથી મહિલા કોર્પોરેટર દક્ષાબેન અરવિંદભાઇ ભેસાણિયા તેમના પુત્ર કશ્યપભાઇ સહિત ૨૫થી વધુ ભાજપનાં કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે કોર્પોરેશનની સામાન્ય ચુંટણી પહેલા જ ભાજપને જબરો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાયો છે.

આજે સવારે ૧૦ વાગ્યે નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ અશોક ડાંગરે જાહેર કર્યું હતું કે, ભાજપમાં કાર્યકરોનું સતત અપમાન થઇ રહ્યું છે. આવા અપમાનથી અનેક કોર્પોરેટરો - કાર્યકરો નારાજ છે અને ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા તૈયાર છે ત્યારે આજે સામાકાંઠાના વોર્ડ નં. ૫ કે જે ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો વોર્ડ છે તેના જ સાથી કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા તેમજ તેમના પુત્ર કશ્યપભાઇ કે જે ભાજપના વોર્ડ મહામંત્રી છે. આ બંને સહિત યુવા ભાજપ તથા અ.ભા.વિ.પ.ના હોદ્દેદારો અને બે મહિલા આગેવાનો સહિત ૨૫થી વધુ લોકો આજે ભાજપને છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે તેઓનું કોંગ્રેસમાં ભાવભીનું સ્વાગત છે.

શ્રી ડાંગરે જણાવ્યું હતું કે, હજુ આવતા દિવસોમાં આ સીલસીલો આગળ વધશે અને કોંગ્રેસ વધુ મજબૂત બની લોકોના હક્ક માટે લડશે.

આ તકે ખાસ હાજર રહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકરો પ્રમુખ હાર્દિક પટેલ, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, વસરામભાઇ સાગઠિયા, પ્રદિપ ત્રિવેદી, મનસુખભાઇ કાલરિયા વગેરેના હસ્તે કોંગ્રેસમાં પ્રવેશેલા ભાજપ આગેવાનો - કાર્યકરોને કોંગ્રેસના ખેસ પહેરાવી સ્વાગત કરાયેલ.

સમગ્ર વ્યવસ્થા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે સંભાળી હતી.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો - કાર્યકરોની યાદી

ગૌતમ પટેલ - યુવા ભાજપ આગેવાન, રોનક પ્રજાપતિ - મીરામ્બીકા કોલેજ અ.ભા.વિ.પ. કેમ્પસ પ્રમુખ, ઉર્વિશ દવે - મારવાડી યુનિવર્સિટી અ.ભા.વિ.પ. - મંત્રી, સાગર ભગલાણી - અ.ભા.વિ.પ. મંત્રી, નિખીલ રામાણી - અ.ભા.વિ.પ. મંત્રી - શાંતિ નિકેતન કોલેજ, ઉદયભાઇ બોરીચા - અ.ભા.વિ.પ. ઉપપ્રમુખ, દર્શનભાઇ બોરીચા - અ.ભા.વિ.પ. મંત્રી, જયરાજભાઇ માયલા - અ.ભા.વિ.પ. મંત્રી - આત્મીય યુનિવર્સિટી, ગોપાલભાઇ ડાંગર - અ.ભા.વિ.પ. રાજકોટ સીટી હોદ્દેદાર, પ્રશાંતભાઇ ગેરૈયા અ.ભા.વિ.પ. રાજકોટ સીટી હોદ્દેદાર, પુનમબેન શિંગાળા, અલ્કાબેન જોશી, ધારા પટેલ, આરતીબેન પટેલ, રિમ્પલ ભાલારા, રજનીકાંત ગજેરા (એડવોકેટ), રસિકભાઇ રૂડાભાઇ નોંઘણવદર (પટેલ), મગનભાઇ હંસરાજભાઇ સંખારવા, અશોકભાઇ મહેતા, સંજયભાઇ જોશી, જયેશભાઇ ઢોલરીયા, રાહુલભાઇ પરેશભાઇ અકબરી, ચેતનભાઇ લુણાગરીયા, વિશાલભાઇ મગનભાઇ નાવાણી, કેનિલ પટેલ, અતુલભાઇ કમાણી (સહકારી ક્ષેત્રના અગ્રણી), વલ્લભભાઇ પટેલ (યાર્ડ ડીરેકટર), કિશોરભાઇ દોંગા, સંજયભાઇ ગઢીયા, મહેશભાઇ તળાવિયા, કિશનભાઇ ચભાડીયા, મેહુલભાઇ સોજીત્રા, વિરલભાઇ ડોબરીયા, ધર્મેશભાઇ વેકરીયા, વિનુભાઇ ગઢીયા, મનસુખભાઇ રંગાણી વગેરે વેપારી આગેવાનોએ આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો.

(3:18 pm IST)