Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

યુનોની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને તમાચો :બે ભારતીયોને ત્રાસવાદી જાહેર કરવાની માંગ ફગાવાઇ

યુનોમાં અક્કલનું પ્રદર્શન કરતું પાકિસ્તાન : ફટકા ઉપર ફટકા

ન્યૂયોર્ક,તા.૩: પાકિસ્તાનનું ભારત વિરુદ્ઘ વધુ એક ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. પાકિસ્તાન સંયુકત રાષ્ટ્ર ની ૧૨૬૭ કમિટી હેઠળ બે ભારતીયોના નામ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ કરાવવામાં નિષ્ફળ થઈ ગયું છે.

સંયુકત રાષ્ટ્રમાં યૂનાઇડેટ કિંગડમ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકાર્યો અને કહ્યું કે, પાકિસ્તાનની પાસે આ ભારતીયોને આતંકવાદી જાહેર કરવાનો કોઈ પૂરાવા નથી.

પાકિસ્તાન બે ભારતીય નાગરિકો ગોબિંદા પટનાયક અને અંગારા અપ્પાજીના નામને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવા ઈચ્છતું હતું. સંયુકત રાષ્ટ્રના સભ્યોએ પાકિસ્તાનને આ બંન્ને ભારતીયો વિરુદ્ઘ પૂરાવા જમા કરાવવાનો સમય પણ આપ્યો પરંતુ પાક નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા પૂરાવા એકત્રિત કરવા સુધી મામલો હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાન કોઈ પૂરાવા આપી શકયું નથી.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું, 'આતંકવાદને ધાર્મિક રંગ આપીને ૧૩૬૭ વિશેષ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવાના પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નિષ્ફળ કરી દીધા છે. અમે તે બધા પરિષદના સભ્યોનો આભાર વ્યકત કરીએ છીએ જેણે પાકિસ્તાનના આ પ્રયાસને રોકયો.'

હકીકતમાં પાછલા વર્ષે મસૂદ અઝહરને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકીના રૂપમાં સામેલ કરવામાં ભારતને સફળતા મળી હતી. પાકિસ્તાનની આ હરકતને બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવી રહી છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનની જમીનથી સંચાલિત થનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે, તે ભારતમાં પુલવામાં સહિત દ્યણા હુમલા કરાવવાનો જવાબદાર છે.

(11:03 am IST)