Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પેંગોંગમાં ભારત-ચીનના તણાવ વચ્ચે લશ્કરના વડા નરવણે લદાખની મુલાકાતે

લશ્કરના ઉચ્ચ અધિકારીઓને મળીને પેંગોંગ લેક પર વર્તમાન સ્થિતિનો તાગ મેળવશે

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવની સ્થિતિ છે ત્યારે ભારતીય લશ્કરના વડા જનરલ એમ એમ નરવણે બે દિવસની લદાખની મુલાકાતે પહોંચ્યા છે. પેંગોંગ સરોવરના દક્ષિણ કાંઠા તરફ ચીનના સૈનિકોએ ઘુષણખોરીના પ્રયાસો કર્યા હતા જેને ભારતીય લશ્કરના જવાનોએ જડબાતોડ જવાબ આપીને નિષ્ફળ બનાવ્યા હતા. લશ્કરના વડા નરવણે આજે સવારે લદાખની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન લશ્કરના ઉચ્ચ અધિકારીઓને મળીને પેંગોંગ લેક પર વર્તમાન સ્થિતિ અને ચીન સાથે તણાવના મામલે માહિતી મેળવશે.

છેલ્લા ઘણા સમયથી ભારત-ચીન વચ્ચે સરહદ પર વિવાદ વણસ્યો છે. ભારતે વધુ એક વખત ચીન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હોવાની વાત કરી છે. ભારત અને ચીન વચ્ચે હાલ બ્રિગેડિયર સ્તરની બેઠક પણ યોજાઈ રહી છે. લશ્કરના વડા નરવણે સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવશે.

(11:53 am IST)