Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પ્રભુ રામ મંદિરનો નકશો પાસ : મંદિરનું આયુષ્ય ૧ હજાર વર્ષથી વધુ : લોખંડનો ઉપયોગ નહીં થાય

ટ્રસ્ટ દ્વારા ૫ કરોડ આસપાસનો ટેકસ ચૂકવાશે : પાયાનું કામ શરૂ કરાશે

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિરનો નકશો અંગે ગઇ કાલે વિકાસ પ્રાધિકરણની મળેલ બેઠક ચેરમેન અને કમિશનર એમ.પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલ. જેમાં સર્વસંમતિથી નકશાને સ્વીકૃતિ આપવામાં આવી છે.

૨ લાખ ૭૪ હજાર વર્ગ મીટર ઓપન વિસ્તાર અને લગભગ ૧૩ હજાર વર્ગ મીટર કવર્ડ ક્ષેત્રનો નકશો પાસ કરાયેલ. ૧૩ હજાર વર્ગ મીટર કવર્ડ વિસ્તારમાં જ ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ૭૦ એકર પરિસરના બે નકશા ઓથોરિટી સમક્ષ રજુ કરેલ.

જેમાંથી એક નકશો ૨.૭૪ લાખ વર્ગ મીટરનો અને બીજો ૧૨,૮૭૯ વર્ગ મીટરનો હતો બંને નકશા બોર્ડની બેઠકમાં પાસ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવેલ કે હવે જલ્દીથી રામમંદિરના પાયાનું ખોદકામ શરૂ કરી દેવાશે. માનવમાં આવી રહ્યું છે કે આવતા અઠવાડીયાથી જ આ કામ શરૂ થઇ જશે.

લગભગ ૬૭ એકર જમીનના લે આઉટ સહિત નકશાને મંજુરી માટે બોર્ડને સોંપાયેલ. જેમાં અંદાજે ૫ એકરમાં રામમંદિર નિર્માણ થશે. જ્યારે બાકીની જગ્યાનો લે આઉટ એટલા માટે સામેલ કરાયો છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના નિર્માણમાં અડચણ ન આવે.

લાર્સન એન્ડ ટુબ્રો કંપની, આઇઆઇટીના એન્જીનીયરોના અનુમાન મુજબ રામમંદિરનું નિર્માણ ૩૬ થી ૪૦ મહીનામાં પૂર્ણ થશે. નિર્માણ કરનાર કંપની લાર્સને આ માટે યોગ્યતમ લોકોને પોતાની સાથે જોડયા છે. મંદિર નિર્માણમાં એક ગ્રામ પણ લોખંડનો ઉપયોગ નહીં કરાય.

શ્રી રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવેલ કે મંદિરનું આયુષ્ય ઓછામાં ઓછું ૧ હજાર વર્ષ હશે. મંદિર સ્થળેથી મળેલ અવશેષેાના શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિર નિર્માણમાં પત્થરોનો ઉપયોગ જ કરાશે. પત્થરોના આયુષ્ય ઉપરથી જ મંદિરનું આયુષ્ય ૧ હજાર વર્ષ આંકલન કરાયું છે. માટીની તાકાત માપવા માટે આઇઆઇટી ચેન્નઇની સલાહ લેવામાં આવેલ. ૬૦ મીટર ઉંડાઇ સુધીમાં માટીની તપાસ કરાયેલ.

મંદીર ટ્રસ્ટ કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તા મુજબ રામમંદિરના પાંચ એકર જગ્યામાં આવેલ જર્જરીત મંદીરોને તોડી સમગ્ર વિસ્તારમાં સાફ કરાવાઇ રહ્યો છે. એલએન્ડટીના મશીનો પરિસરમાં પહોંચી ચૂકયા છે. બીજા થોડા દિવસોમાં આવશે. તેવામાં મંદિરના પાયાના ખોદકામ કરી પીલર ઉભા કરવાના કામમાં હવે મોડુ નહીં થાય.

નકશો પાસ કરાયે અયોધ્યા વિકાસ પ્રાધીકરણને ટ્રસ્ટે ડેવલોપમેન્ટ, મેઇટેનન્સ, સુપર વીઝન ફીની સાથે લેબર સેસ પણ આપવી પડશે. બધા કરાવેરાની રકમ ૫ કરોડ અથવા તેથી વધુ થઇ શકે છે. પ્રાધિકરણ હવે ફી જમા કરાવવા ટ્રસ્ટને નોટીસ આપશે. ટ્રસ્ટે વિકાસ શુલ્કની સાથે અનુરક્ષણ શુલ્ક અને પર્વવેક્ષણ સેસ પણ આપવાની છે. ટ્રસ્ટને ૨.૧૧ કરોડ પ્રાધિકરણને આપવાના છે. આ સિવાય ૧૫ લાખ લેબર ડીપાર્ટમેન્ટને અપાશે. ટ્રસ્ટ તરફથી જમા કરાવાયા બાદ પ્રાધીકરણ દ્વારા નકશો સોંપવામાં આવશે.

(12:48 pm IST)