Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બુલેટ ટ્રેનના નવા સાત રૂટમાં દિલ્હી-મુંબઇ રૂટને ન મળી જગ્યા

દિલ્હી-મુંબઇ વચ્ચે નહીં મળે બુલેટ ટ્રેન, સુરતીઓની આશા પર પાણી

નવી દિલ્હી, તા. ૩: દિલ્લી અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનને રેલ મંત્રાલય જાણે ભૂલી જ ગયું છે. દેશમાં બુલેટ ટ્રેનના નવા રૂટ તપાસવાની મહેનત બાદ પણ દેશની રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચે બુલેટ ટ્રેનના સંપર્કની કોઇ જ સંભાવના નથી. જો કે લોકોને આશા હતી કે બુલેટ ટ્રેનના અમદાવાદ-મુંબઇ વચ્ચેના પાયલટ પ્રોજેકટ બાદ દિલ્લી અને મુંબઇ વચ્ચેના રૂટને બુલેટ ટ્રેનની ભેટ મળશે. રેલ મંત્રાલયે રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને જે નવા સાત રૂટના અધ્યયનનું કામ સોંપ્યું છે, તેમાં દિલ્લી અને મુંબઇનો સમાવેશ જ નથી કર્યો. જાણકારોના મતે, જો આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી હોત તો તેનો લાભ સુરતવાસીઓને પણ મળતો.

રેલ મંત્રાલયે એનએચએસઆરસીએલ ને સાત નવા હાઇ સ્પીડ કોરિડોરનું અધ્યયન કરવા જણાવ્યું છે. નવા રૂટમાં ૮૬૫ કિલોમીટર દિલ્લી-વારાણસી, ૭૫૩ કિલોમીટર મુંબઇ-નાગપુર, ૮૮૬ કિલોમીટર દિલ્લી-અમદાવાદ, ૪૩૫ કિલોમીટર ચૈન્નઇ-મૈસૂર, ૪૫૯ કિલોમીટર દિલ્લી-અમૃતસર, ૭૧૧ કિલોમીટર મુંબઇ-હૈદરાબાદ અને ૭૬૦ કિલોમીટર વારાણસી-હાવડાનો સમાવેશ થાય છે, જેની ડીપીઆર તૈયાર કરવામાં આવશે. એનએચએસઆરસીએલ હાલ મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પરિયોજનાનું નિર્માણ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ દેશને બુલેટ ટ્રેનને સપનું બતાવ્યું હતું. જાપાનના સહયોગથી શરૂ થયેલા પાયલટ પ્રોજેકટ અંતર્ગત ૫૦૮ કિલોમીટર લાંબી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિંઝો આબેએ ૨૦૧૭માં ૧૪ સપ્ટેમ્બરએ ૧.૦૮ લાખ કરોડ રૂપિયામાં એટલે કે ૧૭ અરબ ડોલરમાં પરિયોજનાની આધારશિલા સ્થાપી હતી. આ પ્રોજેકટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરો થશે. આ રૂટમાં મુંબઇમાં બોઇસર અને બીકેસી વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી સુરંગ ખોદવામાં આવશે. જે સાત કિલોમીટર નીચે સમુદ્રમાં હશે.

સુરતવાસીઓની આશા પર પાણી ફરી વળ્યું

હાલ તો સુરતવાસીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. સુરતવાસીઓને આશા હતી કે અમદાવાદ-મુંબઇ બાદ બુલેટ ટ્રેનનો બીજો રૂટ દિલ્લી-મુંબઇ હશે. જયારે નવા રૂટ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે દિલ્લી-મુંબઇ રૂટનો સમાવેશ કરવામાં જ ન આવ્યો. લોકોનું માનવું છે કે સૌથી વધારે ટ્રાફિક દિલ્લી-મુંબઇ વચ્ચે છે. તેથી જો દિલ્લી-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવેત તો સુરતથી દિલ્લી વચ્ચેનું અંતર ઓછુ થઇ જાત.

સાત રૂટ માટે ડીપીઆર તૈયાર

રેલ મંત્રાલય દ્વારા હાલમાં સાત રૂટ માટે ડીપીઆર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે અમે અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર કામ કરી રહ્યા છીએ.

સુષમા ગૌડ,

પ્રવકતા, એનએચએસઆરસીએલ

દિલ્હી-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન મળવી જોઇએ

દિલ્હી-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન મળવી જોઇએ. આ દેશનું મહત્વનું રેલ રૂટ છે. અમે સાંસદ સી.આર.પાટીલના માધ્યમથી રેલ મંત્રાલય સુધી રિપ્રેઝન્ટેશન પહોંચાડીશું.

છોટુ પાટીલ,

સભ્ય,એનઆરયુસીસી

(2:43 pm IST)