Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાજપના હજુ પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં આવવા તૈયાર : હાર્દિકની ચેલેન્જ

દેશ અને રાજ્યના લાખો યુવાનો બેકાર : ખેડૂતો પાયમાલ થયા છે : કોરોના કાળમાં પ્રજાને પણ રામભરોસે છોડી : ખુદ ભાજપના કાર્યકરો - હોદ્દેદારો પક્ષમાં સતત અપમાનથી નારાજ છે : મુખ્યમંત્રી વિજયભાઇની સંવેદનશીલ સરકાર સોનેરી સ્વપ્ના બતાવવાને બદલે નક્કર પરિણામ બતાવે : પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના ભાજપ સામે તિખા પ્રહારો

હાર્દિક પટેલનું સ્વાગતઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરીષદમાં હાજરી આપી તે વખતની તસ્વીરમાં હાર્દિકનું સ્વાગત કરી રહેલા ડો. હેમાંગ વસાવડા તથા શહેર પ્રમુખ અશોક ડાંગર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩ : આજે રાજકોટ આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ભાજપ સામે તીખા પ્રહારો અને આક્ષેપોની ઝડી વરસાવતા જણાવ્યું હતું કે ભાજપની નીતિ-રીતિ ખુલી પડી ગઇ છે. હવે ખુદ ભાજપના કોર્પોરેટરો - કાર્યકરો તેઓની થઇ રહેલી અવગણનાથી નારાજ થઇરહ્યા છે. આજે મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ભાજપથી નારાજ થયેલા ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા તેના પુત્ર સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા છે. હજુ પણ બીજા પાંચ જેટલા કોર્પોરેટરો ભાજપથી અત્યંત નારાજ છે અને ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા તૈયાર હોવાનો ઘટસ્ફોટ હાર્દિક પટેલે કર્યો હતો.

આ તકે હાર્દિક પટેલે સીધુ જ ભાજપ સામે નિશાન તાકી જણાવેલ કે, ભાજપની કોર્પોરેટ નીતિથી દેશ આર્થિક ભાંગી રહ્યો છે. લાખો યુવાનો બેકાર બન્યા છે, ખેડૂતો પાયમાલ થયા છે, કોરોના જેવી મહામારી પણ ભાજપે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી યોજી પોતાની પ્રસિધ્ધી માટે નિર્દોષ પ્રજાને કોરોના સંક્રમણમાં ધકેલી દીધી.  ભાજપની આ નીતિથી ખુદ ભાજપના હોદ્દેદારો ભારે નારાજ થયા છે.

હાર્દિક પટેલે આ તકે આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના કાબુમાં લેવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકતમાં રાજકોટ શહેરમાં કોરોના બેફામ બન્યો છે. રોજ ૧૫ થી વધુ લોકોના મોત થાય છે ત્યારે મુખ્યમંત્રીને સવાલ છે કે તેઓએ રાજકોટમાં કઇ નવી હોસ્પિટલ બનાવી ? કોરોનાના નામે ખાનગી હોસ્પિટલોમાં લેવાતા બેફામ ચાર્જ સામે શું પગલા લીધા?

રાજકોટમાં કોરોના કાબુમાં લેવા કયાં અસરકારક પગલા લીધા ?

હાર્દિકે વધુમાં જણાવેલ કે, આમ પ્રજાને કોરોનામુદ્દે રામભરોસે છોડી શાસકો માત્ર મોટી મોટી જાહેરાતો કરી સસ્તી પ્રસિધ્ધિ મેળવી રહ્યા છે પરંતુ હવે તેઓની પોલ ખુલી ગઇ છે. ગામડાઓમાં ખેડૂતોની ઉપજ - પાક નાશ પામ્યો છે છતાં આ સંવેદનશીલ સરકાર માત્ર યોજનાઓ જાહેર કરે છે પરંતુ નક્કર પરિણામ નથી મળતું.

આમ, હવે ભાજપ સામે લોકોમાં નારાજગી વધી છે. કોંગ્રેસે લોકો સુધી પહોંચી લોકહીતના કાર્યો કર્યા છે ત્યારે પ્રજા એક તક ચોક્કસ કોંગ્રેસને આપશે તેવો વિશ્વાસ હાર્દિક પટેલે આ તકે વ્યકત કર્યો હતો.

દરમિયાન હાર્દિક પટેલના સાથી બ્રિજેશ પટેલે જણાવેલ કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે. ગુજરાતની એક પણ નગરપાલિકામાંથી ચુંટાયેલા કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં નથી આવ્યા. આજે રાજકોટમાં આવું પ્રથમ વખત બન્યું છે.

હજુ બીજા ઘણા લોકો ભાજપથી નારાજ છે. એ લોકોને પણ કોંગ્રેસ સાથે જોડવામાં આવશે તેમ 'પાસ'ના કાર્યકર બ્રિજેશભાઇ પટેલે જણાવ્યું હતું.

(3:48 pm IST)