Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાજપમાં મારી સતત અવગણનાઃ લોકો માટે સુચવેલા કામો પણ થતા નહીઃ દક્ષાબેન ભેસાણીયા

મે ટિકિટ માટે પક્ષ નથી છોડયો : ભાજપના મહિલા કોર્પોરેટરની સ્પષ્ટ વાત : અગાઉ મારા વોર્ડમાં કામો અટકાવી દેવા, ગ્રાન્ટની રકમમાંથી થયેલ કામો અન્યના નામે ચડાવી દેવા સહિતના અપમાનોથી કંટાળીને રાજીનામુ આપી દીધું હતું છતાં અપમાનો ચાલુ રહ્યા

રાજકોટ તા. ૩ :.. ભાજપનાં વોર્ડ નં.પ નાં કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ ભાજપ છોડી અને આજે કોંગ્રેસમાં પ્રવેશ્યા છે ત્યારે તેઓ ત્થા તેના પુત્ર કશ્યપભાઇએ જણાવ્યું હતું કે 'ભાજપમાં મારી સતત અવગણનાં થઇ રહી હતી.'

અગાઉ મારી ગ્રાન્ટની રકમમાંથી થયેલા કામો અન્યનાં નામે ચડાવી દેવાયા હતાં. અને છેલ્લા ઘણા સમયથી મારા વોર્ડમાં લોકો માટે સુચવેલા વિકાસ કામો અટકાવી દેવાયા છે.

આમ સતત અપમાન થતાં અગાઉ મે ભાજપમાંથી રાજીનામુ પણ આપેલ પરંતુ ત્યારબાદ ખાત્રી અપાયેલ કે પુરૂ માન - સન્માન જળવાશે.  અને સુચવેલા કામો થશે પરંતુ આમ છતાં સતત અવગણનાં ચાલુ  રહેતા ભાજપનાં આંતરિક વિખવાદોથી કંટાળીને ભાજપને અલવિદા કરી છેત્યારે હવે ભાજપના હોદેદારો એવો લુલો બચાવ કરે છે કે ટિકીટ માટે કોંગ્રેસમાં  જોડાઇ છુ. પરંતુ આ બાબત તદન ખોટી છે ટિકીટ મળે કે ન મળે તેની મને કોઇ પરવાહ નથી માત્ર લોકો માટે કામ કરવા છે તેથી હવે કોંગ્રેસમાં રહી લોક સેવા કરીશ તેવુ દક્ષાબેને આ તકે સ્પષ્ટ કર્યુ હતું.

(3:51 pm IST)