Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રિયા ચક્રવર્તીનો ભાઇ શોવિક ચક્રવર્તી મુંબઇના કેટલાક ડ્રગ પેડલરોના સંપર્કમાં હતોઃ બે ડીલરોની ધરપકડ અને પૂછપરછ દરમિયાન ધડાકો

નવી દિલ્હીઃ અભિનેત્રી રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક ચક્રવર્તી મુંબઈના કેટલાક ડ્રગ પેડલરોના સંપર્કમાં હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બે ડીલર ઝાયેદ વિલાત્રા અને બસિત પરિહારની સુશાંતસિંઘના મોતની સાથે જોડાયેલા ડ્રગ ટ્રાફિકિંગના કેસમાં ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બંનેએ દાવો કર્યો હતો કે શોવિક સતત ડ્રગ પેડલરોના સંપર્કમાં રહેતો હતો.

હવે જો સૂત્રોની વાત માનવામાં આવે તો શોવિક ડ્રગ સપ્લાયમાં બીજા લોકોને મદદ કરતો હતો. આમ શોવિક હવે ડ્રગ પેડલરો સાથે કથિત જોડાણ બદલ એનસીબીની નજર હેઠળ છે અને એજન્સી તેને ટૂંક સમયમાં બોલાવે તેવી સંભાવના છે. આ સિવાય મની લોન્ડરિંગ કેસમાં ઇડી પણ તેની પૂછપરછ કરી રહી છે.

એનસીબીને વિગતો ક્યાંથી મળી

એનસીબીએ વોટ્સએપ ચેટ પણ મેળવી છે, જે દર્શાવે છે કે શોવિકે ઝાયેદ અને બીજા ડ્રગ પેડલરોની સાથે તેના મિત્રોના સંપર્કને શેર કર્યા હતા, જેથી તેઓને ડ્રગ ખરીદવામાં સરળતા હે. સૂત્રોના જણાવ્યા મુજબ શોવિક ઝાયેદના સંપર્કનો ઉપયોગ કરતો હતો અને આમા પકડાયેલા બીજા પેડલરો છે શેન ફ્લેચર, કરમજીત અને રાજ. બાસિતે તેમને શોવિક સાથે સૂર્યદીપ નામની વ્યક્તિઓ સાથે મળી આ ડ્રગ ડીલરો સાથે સંપર્ક કરાવ્યો હતો.

ફક્ત ડ્રગ્સ નહી બીજા માદક પદાર્થો પણ અપાતા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે ફક્ત ડ્રગ્સ જ નહીં કેટલાય પ્રકારના નશીલા પદાર્થો તેઓ પૂરા પડાતા હતા. આ દરમિયાન એનસીબી ઝાઇદ વિલાત્રા અને બસિત પરિહારને કોર્ટમાં રજૂ કરે તેવી સંભાવના છે, જ્યારે શોવિકઅને સુશાંતના સહયોગી સેમ્યુઅલ મિરાન્ડાએ એજન્સી તાકીદે હાજર થવા સમન્સ પાઠવ્યો છે.

સેમ્યુઅલ મિરાંદાની ડ્રગ્સની  લિંક પણ મળી છે.  આ દરમિયાન એનસીબી પાસે ઉપલબ્ધ વોટ્સએપ મુજબ જાણવા મળ્યુ છે કે તે બસિત પરિહાર અને ઝાયેદ વિલાત્રાને જાણતો હતો. તેઓ એકબીજાને મુંબઈમાં બાંદ્રા ખાતે મળ્યા હતા અને 10,000 રૂપિયાના ડ્રગ્સની ખરીદી કરી હતી.

ડ્રગ એન્ગલમાં એક પછી એક નીકળતી કડીઓ

સૂત્રો મુજબ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી બાસિતનો મિત્ર હતો અને તેણે સેમ્યુઅલનો ડ્રગ્સ સપ્લાય માટે પરિચય કરાવ્યો હતો. એનસીબીએ તો રિયા અને શોવિક, તેની ટેલેન્ટ મેનેજર જયા સાહા અને ગોવા સ્થિત ગૌરવ આર્યા સામે એનડીપીએસ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.

રિયા અને ગૌરવ આર્યાએ ડ્રગના વપરાશ અંગે સંદેશાના આપલે કરી હતી. તેની રદ કરી દેવાયેલી વોટ્સએપ ચેટ્સે જ સુશાંતના મોતના કેસમાં ડ્રગ એન્ગલને વેગ આપ્યો છે.ગૌરવ આર્યા આ સપ્તાહે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયો હતો. તેણે દાવો કર્યો હતો કે તે સુશાંતને ક્યારેય મળ્યો નથી, પરંતુ જણાવ્યું હતું કે તે ફક્ત 2017માં રિયાને મળ્યો તો. તેણે આ સિવાય કહ્યું હતું કે સુશાંતના કેસ સાથે તેનો કોઈ સંબંધ નથી.

(5:02 pm IST)