Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જીડીપીમાં ઘટાડા વચ્‍ચે ભારતની ગ્‍લોબલ ઇનોવેશન ઇન્‍ડેક્‍સ 2020માં આગેકૂચઃ 48માં ક્રમે પહોંચ્‍યુ

નવી દિલ્હીઃ જીડીપીમાં ઘટાડા વચ્ચે ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2020માં તેની આગેકૂચ જારી રાકતા ચાર સ્થાન ઉચકાઈ તે 48માં ક્રમે પહોંચ્યું છે. બુધવારે જારી કરવામાં આવેલા આ ઇન્ડેક્સમાં ભારતનું આ રેન્કિંગ દર્શાવાયું હતુ.

વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO), કોર્નેલ યુનિવર્સિટી અને ઇનસીડ બિઝનેસ સ્કૂલ દ્વારા બનાવવામાં આવતા આ ઇન્ડેક્સમાં વિશ્વના 131 અર્થતંત્રોની આ મોરચે સમીક્ષા કરવામાં આવે છે.

ટોપ-ટેનમાં ખાસ ફેરફાર નહીં

સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, યુએસ, યુકે અને હોલેન્ડ ઇનોવેશન રેન્કિંગમાં આગળ આવે છે. સાઉથ કોરિયા ટોચના દસમાં પ્રથમ વખત પ્રવેશ્યુ છે, જ્યારે સિંગાપોર આઠમાં સ્થાને છે. ટોચના દસમાં ઊંચી આવકવાળા દેશોનું પ્રભુત્વ છે.

ઇનોવેશન ઇન્ડેક્સે વાર્ષિક ધોરણે ટોચ પર સ્થિરતા દર્શાવી છે તો તેના થોડા નીચલા સ્તરે તેમા પૂર્વ તરફ સ્થળાંતર જોવા મળ્યા છે. તેમા એશિયામાં ચીન, ભારત, ફિલિપાઇન્સ અને વિયેતનામે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇનોવેશનના મોરચે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે.

ભારતનો સેન્ટ્રલ-સધર્ન એશિયન રિજયનમાં ટોચનો ક્રમ

ભારતે સેન્ટ્રલ અને સધર્ન એશિયન રિજયનમાં ટોચનો ક્રમ જાળવ્યો હતો, તેના પછીના ક્રમે ઇરાન આવે છે, એમ અહેવાલે જણાવ્યું હતું. ગયા વર્ષ કરતા ચાર સ્થાન ઉચકાઈને ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું ઇનોવેટિવ લોઅર-મિડલ ઇન્કમ ઇકોનોમી બન્યું છે.

તેનું રેન્કિંગ ટોચના 15 નિર્દેશાંકો જેવા કે આઇસીટી સર્વિસિસ એક્સપોર્ટ્સ, સરકારી ઓનલાઇન સર્વિસિસ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સ્નાતકો અને આર એન્ડ ડી લક્ષી વૈશ્વિક કંપનીઓ છે, એમ તેના અહેવાલમાં જણાવાયું હતું.

આ અગ્રણી સંસ્થાઓના સથવારે થઈ ભારતની આગેકૂચ

ભારતે મુંબઈ અને દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી અને બેંગ્લુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને તેના ટોચના વૈજ્ઞાનિક પ્રકાશનોના સથવારે આ ક્રમ મેળવ્યો હતો. ભારત લોઅર-મિડલ-ઇન્કમ અર્થતંત્રમાં સૌથી મોટાપાયા પર ગુણવત્તાસભર ઇનોવેશનની ક્ષમતા ધરાવે છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

કોર્નેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન અને મેનેજમેન્ટના પ્રોફેસર સૌમિત્ર દત્તાએ જણાવ્યું હતું કે ચીન, ભારત અને વિયેતનામે છેલ્લા કેટલાક સમયમાં દર્શાવેલા ઇનોવેશનના પરિણામ તેને મળ્યા છે. જીઆઇઆઇનો ઉપયોગ તે દેશોની સરકારો અને વિશ્વના બીજા લોકો તેમના ઇનોવેશન પર્ફોર્મન્સને સુધારવા માટે કરે છે, એમ દત્તાએ જણાવ્યું હતું.

ભારત આ સિવાય આ પ્રકારની વધુને વધુ સંસ્થાઓ રચે તો આગામી સમયમાં આ મોરચે તે વધારે ઊંચા સ્થાને આવી શકે છે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભારતે કોરોનાકાળની વચ્ચે આ પ્રકારનું સ્થાન મેળવ્યું છે. આ ઘણી મહત્ત્વની બાબત છે.

(5:03 pm IST)