Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

' પી .એમ.કેર ફંડ ' માં સૌથી પહેલું દાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું : 2.25 લાખ રૂપિયા આપ્યા હતા : પ્રથમ પાંચ દિવસમાં જ 3076 કરોડ રૂપિયા જમા થયા હતા : ટ્વિટર ઉપર 'RS 2.25' નો ટ્રેન્ડ

ન્યુદિલ્હી : 27 માર્ચના રોજ ' પી .એમ.કેર ફંડ ' શરૂ કરાયા પછી  સૌથી પહેલું દાન પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું . તેમણે  2.25 લાખ રૂપિયા આપ્યા હતા .આ ફંડમાં પ્રથમ પાંચ દિવસમાં જ 3076 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા .
શ્રી મોદીના ડોનેશન અંગે માહિતી મળતા જ  ટ્વિટર ઉપર 'RS 2.25' નો ટ્રેન્ડ શરૂ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રી મોદી દાન કરવામાં ક્યારેય પાછા હટતા નથી .આ અગાઉ તેઓ  કુંભના મેળામાં ગયા હતા ત્યારે પણ  પોતાની અંગત બચતમાંથી સફાઈકર્મીઓના કલ્યાણ માટે બનેલા ભંડોળમાં 21 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. સાઉથ કોરિયાથી મળેલા સિયોલ પીસ પ્રાઈઝની 1.3 કરોડ રૂપિયા રકમ પણ તેમણે 'નમામિ ગંગે' પ્રોજેક્ટ માટે આપી દીધી હતી.અધિકારીઓએ જણાવ્યું કે, મોદીને વડાપ્રધાન પદે રહીને જે ભેટ અને પ્રતીક ચિહ્નો મળ્યા છે તેમની હરાજી થકી મળેલી રકમને નમામિ ગંગે મિશનમાં દાન કરી દેવાઈ છે. જેમાં હાલમાં થયેલી હરાજીના 3.4 કરોડ રૂપિયા પણ સામેલ છે.
2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યું ત્યારે તેમણે રાજ્ય સરકારના સ્ટાફને અંગત બચતમાંથી 21 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ સિવાય મુખ્યમંત્રી હતા ત્યારે મળેલી ગિફ્ટની હરાજી થકી 89.96 કરોડ રૂપિયા મળ્યા હતા. જે કન્યા કેળવણી ફંડમાં દાન કરી હતી અને આ રૂપિયા બાળકીઓના શિક્ષણ પાછળ ખર્ચાયા હતા.

(7:08 pm IST)