Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કુલભૂષણ કેસ : પાકિસ્તાનને વધુ એકવાર લપડાક ; કોર્ટે વકીલ નિયુક્ત કરવા ભારતને આપી બીજી તક

ભારતને વધુ એક તક આપતા ઇસ્લામાબાદ હાઈકોર્ટે કેસની સુનાવણીને એક મહિના માટે મુલતવી રાખી

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારની ફરીથી ફજેતી થઇ હતી ઇસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને કુલભૂષણ માટે વકીલ નિયુક્ત કરવા માટે બીજી તક આપી છે. ભારતને વધુ એક તક આપતા ઇસ્લામાબાદ હાઈકોર્ટે કેસની સુનાવણીને એક મહિના માટે મુલતવી રાખી છે.હવે કોર્ટમાં 6 ઓક્ટોબરે સુનાવણી થશે.

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે જુલાઈ મહિનામાં ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને લાગૂ કરવા માટે એક વકીલ નિયુક્ત કરવાની માંગ કરી હતી.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતુ કે ઇસ્લામાબાદ હાઈકોર્ટને ICJના નિર્ણય મુજબ સૈન્ય કોર્ટના નિર્ણયની સમીક્ષા અને પુન:વિચાર કરવા માટે એક વકીલ નિયુક્ત કરવા જોઇએ.

અગાઉ પાકિસ્તાને ભારતીય વકીલની નિમણૂંક કરવાની માંગ નકારી દીધી હતી.પાકિસ્તાન વિદેશ કાર્યલયના પ્રવક્તા ઝાહિદ હફીઝ ચૌધરીએ ગત અઠવાડિયાએ જણાવ્યું હતુ કે,“આ દેશની કોર્ટમાં ભારતીય કેદી કુલભૂષણ જાધવના પ્રતિનિધિત્વ કરવા માટે કોઇ ભારતીય વકીલને મંજૂરી આપવી કાયદાકીય રીતે સંભવ નથી.

તેમણે જણાવ્યું હતુ કે ભારતીય પક્ષ જાધવનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઇ ભારતીય વકીલને મંજૂરી આપવા અસંગત માંગ કરી રહ્યું છે.અમે વારંવાર તેમને જણાવ્યું છે કે માત્ર તે જ વકીલ કોર્ટમાં જાધવનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેમની પાસે પાકિસ્તાનમાં વકીલાત કરવાનું લાઇસન્સ હોય.

પાકિસ્તાન ખોટો દાવો કરતો આવ્યો છે કે જાધવ (Kulbhushan Jadhav)ની જાસૂસીના આરોપો હેઠળ 2016માં બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ભારતે પાકિસ્તાનના આ દાવાને ફગાવી દીધો હતો.

ભારતે જણાવ્યું હતું કે જાધવનું ચાબહારના ઈરાની પોર્ટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું.2017ની શરૂઆતમાં એક પાકિસ્તાની સૈન્ય કોર્ટે તેમને મોતની સજા સંભળાવી હતી.

મે 2017માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે તેમની ફાંસીની સજા પર રોક લગાવી હતી.ત્યાર બાદ ગત વર્ષે જુલાઈમાં 15-1ના વોટ દ્વારા ICJએ ભારતના એ દાવાને માન્ય રાખ્યો હતો કે,પાકિસ્તાને કેટલાક મામલાઓમાં કાઉન્સિલર રિલેશન્સ પર વિયના કન્વેન્શનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે

(8:40 pm IST)