Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ડોલર મજબૂત બનતા સોના-ચાંદીમાં નરમાઇ : સોનાનો ભાવ એક સપ્તાહના નીચી સપાટીએ : રૂપિયો પણ ઘટ્યો

આર્થિક આંકડા અપેક્ષા કરતા સારા આવતા રોકાણકારોમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા જળવાઈ રહી

અમદાવાદઃ ડોલર મજબૂત બનતા અને અપેક્ષા કરતા સારા આર્થિક આંકડાના પગલે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ સરક્યા હતા થે ચાંદી અને પછી રૂપિયો  પણ ઘટ્યા હતા.હાજર સોનાનો ભાવ 0.5 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,933.06 ડોલર થયો હતો. આ ભાવ 28મી ઓગસ્ટના 1,926.99 ડોલર પછીનો નીચો ભાવ છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,939 ડોલર થયું હતું.

ડેઇલી FAXના કરન્સી સ્ટ્રેટેજિસ્ટ ઇલ્યા સ્પિવાકે એન્યુઅલ સેન્ટ્રલ બેન્કર્સ કોન્ફર્સને ટાંકીને કહ્યું હતું કે સોનામાં હંમેશા ડોલરથી વિપરીત ચાલ હોય છે અને તેના લીધે જ જોખમ ઉઠાવવાની ક્ષમતા મજબૂત રહેતા સોનામાં ખાસ વૃદ્ધ થઇ નથી.જો કે હકારાત્મક વૃદ્ધિ છતા પણ અર્થતંત્ર વાસ્તવિક ધોરણે હજી મંદીમાં છે અને મધ્યસ્થ બેન્કો પણ આ માનસિકતા ધરાવતી હોવાની બાબત સોના માટે ટેકારૂપ નીવડી શકે.

ડોલર ઇન્ડેક્સ સળંગ ત્રીજા સત્રમાં વધતા સોનું અન્ય ચલણોના સંગ્રહકર્તાઓ માટે વધારે મોંઘું થયું હતું. ચીન અને અમેરિકાના તાજેતરના આર્થિક આંકડા અપેક્ષા કરતા સારા આવતા રોકાણકારોમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા જળવાઈ રહી છે.

પણ ચીન અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા માટે તેના સેમી કંડક્ટર ઉદ્યોગ માટેની નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનું આયોજન કરી રહ્યુ હોવાના અહેવાલના લીધે શેબજારોમાં આજની વૃદ્ધિ મર્યાદિત થઈ ગઈ હતી.

સોનાએ આ વર્ષે 28 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તેને વિશ્વની મોટાભાગની મધ્યસ્થ બેન્કો દ્વારા કોરોનાના કારણે થયેલા આર્થિક નુકસાનને બીજે વાળવા અપનાવવામાં આવેલી અત્યંત હળવી નાણાકીય નીતિનો ફાયદો મળ્યો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ પ્રતિ ઔંસ 1.6 ટકા ઘટીને 27.05 ડોલર થયો હતો, જ્યારે પ્લેટિનમનો ભાવ 0.2 ટકા ઘટી પ્રતિ ઔંસ 903.55 ડોલર થયો હતો, જ્યારે પેલેડિયમ 0.2 ટકા વધી 2,252.01 ડોલર પર બંધ આવ્યું હતું.

ભારતમાં  24 કેરેટના દસ ગ્રામ સોનાનો ભાવ 200 રૂપિયા ઘટીને 52,540 થયો હતો. જ્યારે 22 કેરેટના સોનાનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ 49,340 પર બંધ આવ્યો હતો. જ્યારે .999ની શુદ્ધતા ધરાવતી ચાંદીનો ભાવ એક કિલોએ 69,990 પર બંધ આવ્યો હતો. જ્યારે 925 સ્ટર્લિંગ ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 64,741 રૂપિયા પર બંધ આવ્યો હતો.

અમદાવાદમાં સ્થાનિક બજારમાં સોનાનો ભાવ જોઈએ તો 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 51000-52,500 છે અને 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 50,800-52,300 છે. હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,450 છે. ચાંદી (ચોરસા)નો ભાવ 60,000થી 63,000ની વચ્ચે છે. ચાંદી (રુપુ)નો ભાવ 59,800થી 62,800ની વચ્ચે છે. જ્યારે સિક્કાનો ભાવ 575થી 775ની વચ્ચે છે.

રૂપિયાએ ગુરુવારે ડોલર સામે 44 પૈસા કે 0.60 ટકાનો ઘટાડો નોંધાવતા તે 73.47 પર બંધઆવ્યો હતો. તે એક સમયે 73.21થી 73.48ની સાંકડી રેન્જમાં ચાર કલાક સુધી સુધી રહ્યુ હતુ. આમ વર્તમાન સ્તરે રૂપિયો ગયા મહિને તેની ઇન્ટ્રા-ડે નીચી સપાટી 76.91થી 4.47 ટકા ઉચકાયો છે.

(8:48 pm IST)