Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

નકલી દવાના વેપાર ઉપર હવે લગામઃ QR કોડથી જાણી શકાશે કે દવા અસલી છે કે નકલી

સૌથી વધુ વેચાતી દવાઓ માટે ‘ટ્રેક એન્‍ડ ટ્રેસ' સિસ્‍ટમ દાખલ કરવાની યોજના : સૌથી વધુ વેચાતી ૩૦૦ દવાઓના પેકેજિંગ પર QR લાગુ થશેઃ આમાં ૧૦૦ રૂપિયા પ્રતિ સ્‍ટ્રીપથી વધુની MRP સાથે વેચાતી મોટી સંખ્‍યામાં દવાઓનો સમાવેશ થાય છે

નવી દિલ્‍હી, તા.૩: હવે ઉપભોક્‍તાઓ ટૂંક સમયમાં જ તપાસ કરી શકશે કે તેમણે ખરીદેલી દવા સલામત છે અને નકલી નથી. બનાવટી અને ગૌણ દવાઓના ઉપયોગને રોકવા અને ગુણવત્તા સુનિશ્‍ચિત કરવા માટે સરકાર સૌથી વધુ વેચાતી દવાઓ માટે ‘ટ્રેક એન્‍ડ ટ્રેસ' સિસ્‍ટમ દાખલ કરવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત, પ્રથમ તબક્કામાં, ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ ૩૦૦ સૌથી વધુ વેચાતી દવાઓના પ્રાથમિક ઉત્‍પાદન પેકેજિંગ લેબલ પર બારકોડ અથવા QR (ક્‍વિક રિસ્‍પોન્‍સ-QR) કોડ પ્રિન્‍ટ અથવા પેસ્‍ટ કરશે. પ્રાથમિક ઉત્‍પાદન પેકેજીંગમાં બોટલ, કેન, જાર અથવા ટયુબનો સમાવેશ થાય છે જેમાં વેચાણ માટે દવાઓ હોય છે.

આમાં મોટી સંખ્‍યામાં એન્‍ટિબાયોટિક્‍સ, કાર્ડિયાક, પેઈન-રિલીવિંગ પિલ્‍સ અને એન્‍ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે જેની એમઆરપી પ્રતિ સ્‍ટ્રીપ ૧૦૦ રૂપિયાથી વધુ છે. જો કે, આ પગલા માટેનો ઠરાવ એક દાયકા પહેલા લેવામાં આવ્‍યો હતો. પરંતુ સ્‍થાનિક ફાર્મા ઉદ્યોગમાં જરૂરી તૈયારીઓના અભાવે તેને અટકાવી દેવામાં આવ્‍યું હતું. નિકાસ માટેની ટ્રેક એન્‍ડ ટ્રેસ મિકેનિઝમ પણ આવતા વર્ષના એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્‍યારે છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં નકલી અને સબસ્‍ટાન્‍ડર્ડ દવાઓના ઘણા કિસ્‍સા સામે આવ્‍યા છે.

તાજેતરના એક કેસમાં, તેલંગાણા ડ્રગ્‍સ ઓથોરિટીને થાઇરોઇડ દવા થાઇરોનોર્મની ગુણવત્તા નબળી હોવાનું જણાયું હતું. તેને બનાવનાર ફાર્માસ્‍યુટિકલ કંપની એબોટે કહ્યું કે તેની થાઈરોઈડની દવા થાઈરોનોર્મ નકલી છે. જ્‍યારે અન્‍ય એક કિસ્‍સામાં બદ્દીમાં ગ્‍લેનમાર્કની બ્‍લડ પ્રેશર પિલ ટેલમા-એચના નકલી ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (ડબ્‍લ્‍યુએચઓ) મુજબ, ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા દેશોમાં લગભગ ૧૦% તબીબી ઉત્‍પાદનો ઓછા પ્રમાણભૂત અથવા નકલી છે. તેમ છતાં તેઓ વિશ્વના દરેક ક્ષેત્રમાં મળી શકે છે.

એકવાર સરકારી પગલાં અને જરૂરી સોફ્‌ટવેર લાગુ થઈ જાય પછી, ગ્રાહકો મંત્રાલયના પોર્ટલ (વેબસાઈટ) પર એક અનન્‍ય ID કોડ ફીડ કરીને ગ્રાહક દવાની વાસ્‍તવિકતા ચકાસી શકશે. તેઓ પછીથી મોબાઇલ ફોન અથવા ટેક્‍સ્‍ટ સંદેશ દ્વારા પણ તેને ટ્રેક કરી શકશે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે સમગ્ર ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગ માટે એક જ બારકોડ પ્રદાન કરવા માટે કેન્‍દ્રીય ડેટાબેઝ એજન્‍સીની સ્‍થાપના સહિત અનેક વિકલ્‍પોનો અભ્‍યાસ કરવામાં આવી રહ્યો છે. તેનો અમલ કરવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

(10:30 am IST)