Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

નેશનલ હેરાલ્ડ કેસમાં તેલંગાણા કોંગ્રેસના 5 નેતાઓને સમન્સ: ઇડી ફરીવાર કરશે પૂછપરછ

આ 5 નેતાઓમાં મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડી, અંજન કુમાર અને ગલિ અનિલ સામેલ

નવી દિલ્હી :નેશનલ હેરાલ્ડ કેસમાં  તેલંગાણા કોંગ્રેસના 5 નેતાઓને ઈડીએ સમન મોકલ્યો છે. ઈડીએ આ 5 નેતાઓને દિલ્હી સ્થિત ઈડીના હેડક્વાર્ટરમાં પુછપરછ માટે બોલાવ્યા છે. ઈડી સુત્રોના જણાવ્યા મુજબ જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા, ત્યારે આ નેતાઓએ તેમાં ડોનેશન આપ્યું હતું. ઈડીએ આ કેસની ડિટેલ્સ જાણવા માટે નેતાઓને સમન જાહેર કર્યુ છે. આ 5 નેતાઓમાં મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડી, અંજન કુમાર અને ગલિ અનિલ સામેલ છે.

આ પહેલા ઈડીએ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારને પણ નેશનલ હેરાલ્ડ અખબારને સંડોવતા કથિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. સત્તાવાર સુત્રોએ જાણકારી આપતા જણાવ્યું હતું કે શિવકુમારને 7 ઓક્ટોબરે દિલ્હીમાં સંઘીય તપાસ એજન્સી સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમન એવા સમયે સામે આવ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાએ 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશ કર્યો અને રાજ્યમાં 21 દિવસ સુધી ચાલી. શિવકુમાર યાત્રાના આ તબક્કાના સંચાલનમાં સામેલ છે.

 

ઈડીએ આ પહેલા પણ મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડીને પુછપરછ માટે સમન મોકલ્યુ હતું. જણાવી દઈએ કે ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગની તપાસને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ પાસે સતત પુછપરછ કરી રહી છે. પુછપરછના વિરોધમાં કોંગ્રેસ તરફથી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

 

(10:12 pm IST)