Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઓનલાઈન સટ્ટાબાજી પર સરકાર કરશે કડક કાર્યવાહી : ઓટીટી-ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સને આપી ચેતવણી

મંત્રાલયે ટીવી ચેનલો, ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ્સને આ પ્રકારની જાહેરાતો અને સરોગેટ પ્રોડક્ટ્સની જાહેરાતોથી દૂર રહેવાની સખત સલાહ આપી

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે જાહેરાતોને લઈ એક વાર ફરી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ સમાચાર વેબસાઈટ, ઓટીટી પ્લેટફોર્મ  અને પ્રાઈવેટ ટીવી ચેનલને ઓનલાઈન સટ્ટા કેન્દ્રોની જાહેરાત બતાવવાથી બચવા માટેની સલાહ આપી છે. સૂચના મંત્રાલય દ્વારા જાહેર દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી ટીવી ચેનલોને કડક ચેતવણી આપવામાં આવે છે કે તે ઓનલાઈન સટ્ટા કેન્દ્રોની જાહેરાત બતાવવાથી દુર રહે. મંત્રાલયે એ પણ કહ્યું કે જો દિશાનિર્દેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંબંધિત ચેનલની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂચના મંત્રાલયે ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર ન્યૂઝ પબ્લિશરને એક અલગ દિશાનિર્દેશ જાહેર કરીને કહ્યું છે કે તે આ પ્રકારની જાહેરાત ભારતીય દર્શકોને ના બતાવે. 

મંત્રાલયે કહ્યું કે સરકારને એવી જાણકારી મળી હતી કે ટેલિવિઝનની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી સ્પોર્ટસ ચેનલ હાલમાં ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મની સાથે સાથે તેમની સેરોગેટ ન્યૂઝ વેબસાઈટની જાહેરાતો દેખાડી રહી છે. તેના પુરાવા મળ્યા બાદ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેમાં ફેયરપ્લે, પ્રિમેચ, બેટ વે, વુલ્ફ 777 અને 1x બેટ જેવી ડાયરેક્ટ અને સરોગે જાહેરાત સામેલ હતી.

મંત્રાલયે ગાઈડલાઈનમાં કહ્યું છે કે ઓનલાઈન ઓફશોર બેટિંગ પ્લેટફોર્મ હવે ડિજિટલ મીડિયા પર બેટિંગ પ્લેટફોર્મની જાહેરાત માટે ન્યૂઝ વેબસાઈટોને એક સરોગેટ પ્રોડક્ટસ તરીકે ઉપયોગ કરે છે. આવા કિસ્સાઓમાં, મંત્રાલયે શોધી કાઢ્યું છે કે સરોગેટ ન્યૂઝ વેબસાઇટ્સના લોગો સટ્ટાબાજીના પ્લેટફોર્મ જેવા જ છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે આ પ્રકારનું સટ્ટાબાજીનું પ્લેટફોર્મ કે ન્યૂઝ વેબસાઈટ ભારતમાં કોઈ કાનૂની સત્તા હેઠળ રજીસ્ટર નથી. આવી વેબસાઇટ્સ સમાચારોની આડમાં સરોગેટ જાહેરાતના રૂપમાં સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપી રહી છે.

 

(11:32 pm IST)