Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કપિલદેવના નિધનની સોશિયલ મીડિયા પર અફવા: પૂર્વ ક્રિકેટર મદનલાલે કરી સ્પષ્ટતા

મદનલાલે કહ્યું --આ ખુબ જ ગેરજવાબદારી ભર્યુ કૃત્ય છે. મારા મિત્ર કપિલ દેવ એકદમ સ્વસ્થ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવની તબિયત પાછળના દિવસો દરમ્યાન ખરાબ થઈ હતી. હ્રદય રોગના હુમલાને લઈને તેમની પર સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, હવે તો ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે. કેટલાક લોકોની અફવાઓને લઇને ભારતને પ્રથમ વિશ્વકપ જીતાડનારા કેપ્ટનની મોતની ખબર અફવા રુપે ફેલાઈ ગઈ હતી. હાલના દિવસો દરમ્યાન સોશિયલ મીડીયા પર કંઈ પણ આગની માફક ફેલાઈ જાય છે. સેલેબ્રિટીના મોતની અફવા ભરેલા સમાચારો પણ આવતા રહે છે. આ પ્રકારની અફવામાં હવે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર કપિલદેવનું નામ પણ આવી ગયુ હતુ. ટ્વિટર પર 1983ના વિશ્વ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવના મોતની ખબર અચાનક જ કોણ જાણે કેવી રીતે ફેલાવા લાગી ગઈ હતી.

આ દરમ્યાનન જ એવા સમાચારો વહેતા થવા લાગ્યા હતા કે, કપિલને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાના પણ સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. હદ પણ ત્યારે જ થઇ ગઇ હતી કે જ્યારે કપિલ દેવને પ્રશંસકો દ્વારા શ્રધ્ધાંજલી પણ આપવાની શરુ થઈ ગઈ હતી. કપિલ દેવના ખોટા સમાચારોને લઇને તેમના સાથી પૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલે ટ્વીટ કરીને કપિલના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે, મારા સાથીના મોતની ખબર અફવા છે અને ખુબ જ ગેરજવાબદારી ભર્યુ કૃત્ય છે. મારા મિત્ર કપિલ દેવ એકદમ સ્વસ્થ છે અને ઝડપથી સાજા થઈ રહ્યા છે.

(12:43 am IST)