Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ટ્રમ્પ V/S બિડેન

સાંજે ૪.૩૦ વાગ્યાથી મતદાન શરૂ થશે

અમેરિકી સમય મુજબ સવારે ૬ થી રાત્રે ૯ સુધી મતદાન ચાલશે

વોશિંગ્ટન,તા. ૩: અમેરિકામાં આજે પ્રેસિડન્ટ ચૂંટણી માટે મતદાન થવાનું છે. જયાં ૫૦% મતદારો પહેલા જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ચૂકયા છે. જે મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન નથી કર્યું તેઓ આજે  પોતાના નવા પ્રેસિડન્ટની પસંદગી કરવા માટે મત આપશે. રિપબ્લિક પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી નસીબ અજમાવી રહ્યા છે તો, ડેમોક્રેટિક પાર્ટી તરફથી બે વાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા જો બાઈડેન ઉમેદવાર છે.

(૧) કેટલા વાગે શરૂ થશે મતદાન?

અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટે ભારતીય સમય મુજબ આજે  સાંજે ૪.૩૦ કલાકથી મતદાન શરૂ થશે. જે બુધવારે સવારે ૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તો, અમેરિકન સમયાનુસાર આ મતદાન મંગળવારે સવારે ૬ વાગ્યે શરૂ થશે જે રાત્રે ૯ વાગ્યા સુધી ચાલશે. દ્યણાં રાજયોમાં મતદાન શરુ થવાનો સમય પણ સવારે ૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. આ વખતે કોરોના વાયરસના કહેરના કારણે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે.

(૨) કેટલા વાગ્યે આવશે એકિઝટ પોલના પરિણામ?

અમેરિકામાં મંગળવારે રાત્રે ૯ વાગ્યે મતદાન પૂરું થયા પછી ઘણી મીડિયા સંસ્થા તરત જ એકિઝટ પોલ જાહેર કરશે. જેથી અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ અથવા બાઈડેનની જીતની તસવીર સ્પષ્ટ થવાની શકયતા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. તેથી એકિઝટ પોલનાં પરિણામો ચૂંટણીનાં પરિણામોથી બહુ અલગ નહીં હોય.

(૩) કયારે આવશે ચૂંટણીના અંતિમ પરિણામ

અમેરિકાની ચૂંટણી પરિણામ અંગે સ્પષ્ટપણે કહી શકાય નહીં કે મતદાન પુરું થયા પછી ૩ નવેમ્બરે પરિણામ આવશે. આ વખતે કોરોના વાયરસને લીધે મોટી સંખ્યામાં લોકોએ મેલ ઇન બેલેટ અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. જેની ગણતરી ફકત સંબંધિત રાજયમાં કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરીને લીધે આ વખતે ચૂંટણીના પરિણામ મોડા થઈ શકે છે.

(૪) પ્રેસિડન્ટ ચૂંટણી જીતવા માટે કેટલા મત જોઈએ?

અમેરિકામાં પ્રેસિડન્ટ પદ મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જ જો બાઈડેનને ઈલેકટ્રોરલ કોલેજ મતના ૫૦%થી વધુ મત મેળવવા પડશે. અમેરિકામાં ઈલેકટ્રોરલ કોલેજના ૫૩૮ મતો છે. જેનો મતલબ એવો થયો કે કોઈ પણ ઉમેદવારને જીતવા માટે ૨૭૦ અથવા વધુ મત મેળવવાની જરૂર રહેશે.

(૫) વ્હાઈટ હાઉસમાં કયારે પ્રવેશ કરશે પ્રેસિડન્ટ?

અમેરિકાના બંધારણમાં નવા પ્રેસિડન્ટ માટે પદના શપથ લેવાની તારીખ નિશ્ચિત છે. જયારે પણ અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી હોય ત્યારે વિજેતા ઉમેદવાર ૨૦ જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરે છે. આ દ્યટનાક્રમ આજદિવસ સુધી કયારેય પણ તૂટ્યો નથી. આ વખતે પણ ટ્રમ્પ અને બાઈડેન તરફથી જે પણ ચૂંટણી જીતશે તે આ તારીખે જ વ્હાઇટ હાઉસમાં કારભાર સંભાળશે.

(9:51 am IST)