Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઓસ્ટ્રિયાની રાજધાનીમાં આતંકી હુમલોઃ ૬ સ્થળો પર અંદાજીત ૫૦ રાઉન્ડ ફાયરિંગમાં ૭ લોકોના મોત, અનેક ઘાયલ

લંડન,તા. ૩: યૂરોપના ઓસ્ટ્રિયા દેશના વિયનામાં એક યહૂદી ઉપાસના ગૃહ સહિત ૬ અલગ અલગ જગ્યાઓએ હથિયાર સાથે લોકોએ ગોળીબાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાવર સહિત ૭ લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ કરી છે. અનેક લોકો ઘાયલ થવાના સમાચાર પણ મળ્યા છે.

વિયના પોલીસ દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવાયું છે કે રાતે ૮ વાગે ઘટના બની હતી. તેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ હતી. ઘટના શહેરમાં ૬ અલગ અલગ જગ્યાઓએ બની હતી . તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જેમાં એક ઓફિસર પણ સામેલ છે. આ સિવાય પોલીસ દ્વારા એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મરાયો છે.

પોલીસે લોકોને ટ્વીટની મદદથી કહ્યું છે કે હુમલાને લઈને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શકય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ ન જાઓ.

(9:52 am IST)