Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સુપ્રિમ કોર્ટે ઘર ખરીદનારાને આપી રાહત

રેરા છતાંય ગ્રાહક અદાલતમાં રિફંડની માંગણી થઇ શકે

બાયર્સે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી રિફંડનો દાવો કર્યોઃ મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર અપાવવાનો અધિકારઃ રેરા અન્ય કાયદાની જોગવાઈ પર નિયંત્રણ ન લગાવી શકે

નવી દિલ્હી, તા.૩: સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ(રેરા),૨૦૧૬ ને લાગૂ કરવા છતાં ફ્લેટ ખરીદારને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા સેવામાં બેદરકારી વર્તવા પર ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ રાહત માંગવાનો અધિકાર છે.

જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત શરણની પીઠે કહ્યું કે રેરાની ધારા ૭૯ ગ્રાહક ફોરમને ઉપભોકતા સંરક્ષણ અધિનિયમની જોગવાઈ હેઠળ કોઈ પણ ફરિયાદ પર વિચાર કરતા પ્રતિબંધ નથી લગાવતી. ફોરમને ફ્લેટ ફાળવણીમાં મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર અપાવવાનો અધિકાર છે.

સર્વોચ્ચ અદાલતે રેરા અધિનિયમ, ૨૦૧૬ની જોગવાઈ પર ધ્યાન કર્યા બાદ કહ્યું કે સંસદની ઈચ્છા સ્પષ્ટ હતી કે ખરીદારની પાસે વિકલ્પ અથવા વિવેકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તે ગ્રાહક અધિનિયમ હેઠલ યોગ્ય કાર્યવાહી શરુ કરવા ઈચ્છે છે અથવા રેરા અધિનિયમ હેઠળ એક અરજી દાખલ કરવા ઈચ્છે છે. કોર્ટે મેસર્સ ઈન્પીરિયા સ્ટ્રકચર્સ લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્દેશોની વિરુદ્ઘ દાખલ અરજીનો ફગાવી દીધી છે. જેનાથી ગુરુગ્રામ પરિયોજનામાં મોડું થવા પર ખરીદદારોને ૫૦-૪૦ હજાર રુપિયાના વળતરની રકમ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

મુખ્ય અદાલતે ડેવલપર્સ તરફથી કરવામાં આવેલી દલીલને ફગાવતા કહ્યું કે જો કે પરિયોજના રેરા હેઠળ રજિસ્ટર્ડ છે એટલા માટે અન્ય કાર્યવાહીની પરવાનગી નહી આપવી જોઈએ. મુખ્ય અદાલતે કહ્યું કે રેરા અધિનિયમની કલમ ૭૯ હેઠળ સિવિલ કોર્ટમાં કેસ અથવા કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લાગાવે છે. જો કે કલમ ૮૮માં કહેવામાં આવ્યું છે કે રેરા અધિનિયમ એક અતિરિકત જોગવાઈ છે. રેરા અન્ય કાયદાની જોગવાઈ પર નિયંત્રણ ન લગાવી શકે.

ગુરુગ્રામના એક પ્રોજેકટમાં ખરીદારે ફ્લેટ બુક કરાવ્યો હતો. ૨૦૧૩માં બિલ્ડર્ય - બાયર્સ હેઠલ બિલ્ડર્સે સાડા ૩ વર્ષમાં ફ્લેટ ફાળવવાનો હતો. કરારમાં જણાવ્યાનુંસાર જો સમય પર ફ્લેટ ન ફાવવામાં આવે તો બિલ્ડર્સને ૯ ટકા વ્યાજ સાથે રિફંડ આપવું પડશે. ૨૦૧૬માં રેરા કાયદો આવ્યો. બીજી તરફ ચાર વર્ષ વિતી ગયા પછી પણ પ્રોજેકટ પૂરો ન થવાના સંકેત મળતા બાયર્સે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી રિફંડનો દાવો કર્યો હતો.

(9:53 am IST)