Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ડ્રાયફ્રૂટ બિઝનેસને પણ નડી મંદીઃ કોરોનાના કારણે વેપારીઓએ મોટાપાયે ડ્રાયફ્રૂટસના ગિફટ પેક કરવાનુ ટાળ્યું

અત્યાર સુધી મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ છેલ્લી ઘડીએ ઘરાકીની આશા રાખી રહ્યા છે

નવી દિલ્હી, તા.૩: દીવાળી સમયે ડ્રાયફ્રૂટ્સના આકર્ષક ગીફ્ટ પેકનું મોટા પાયે વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વેપારીઓએ મોટાપાયે ડ્રાયફ્રુટસના ગીફટ પેક કરવાનુ ટાળ્યુ છે. ઘરાકી ઓછી હોવાથી જરૂર જેટલા જ ગીફટપેક તૈયાર કરવામા આવ્યા છે.

એક સમય હતો જયારે દીવાળી માટે માત્ર નાસ્તા કે મીઠાઇ ખરીદવામા આવતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ બદલાયો છે.દીવાળી સમયે ડ્રાયફ્રુટ્સની ખરીદી કરવામા આવે છે. મીઠાઇમા ભેળસેળ હોવાની શકયતા તેમજ થોડાક દિવસ બાદ બગડી જતી હોવાથી લોકો મીઠાઇ પર થોડો કાપ મૂકીને તેને બદલે ડ્રાયફ્ટસ લેવાનુ પસંદ કરે છે. સુકોમેવો લાંબા સમય સુધી સારો રહે છે.આ ઉપરાંત ડ્રાયફ્રૂટસ હેલ્ધી પણ હોય છે. મીઠાઇમાં સુગર આવતી હોવાથી ડાયાબીટીસના દર્દીઓ તેમજ હેલ્થ કોન્સીયસ લોકો મીઠાઇને બદલે ડ્રાયફ્રુટસ પસંદ કરે છે.

કંપનીઓ પણ હવે ગીફ્ટમા મીઠાઇ આપવાને બદલે ડ્રાયફ્ટસના બોકસ આપવાનુ પસંદ કરે છે. આથી વેપારીઓ દ્વારા દર વર્ષે મોટાપાયે ડ્રાયફ્રુટ્સના આકર્ષક ગીફ્ટપેક તૈયાર કરવામા આવતા હતા. પરંતુ આ વર્ષે બજારમા ઘરાકી ન હોવાથી વેપારીઓ મોટાપાયે ગીફટ પેક કરી જોખમ લેવા માંગતા નથી. જેથી દર વર્ષ કરતા અડધો માલ તૈયાર કરવામા આવ્યો છે. દર વર્ષે કંપનીઓ તરફથી ઓર્ડર મળતા હતા તેમાં પણ નોધપાત્ર પ્રમાણમા ઘટાડો થયો છે. દીવાળીના અંતિમ દિવસોમાં સારી એવી ઘરાકી રહેતી હોય છે. જેથી અત્યારસુધી મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ છેલ્લી ઘડીએ ઘરાકીની આશા રાખી રહ્યા છે. વેપારીઓનું કહેવુ છે કે દીવાળી પ્રકાશનુ પર્વ છે પરંતુ જે રીતે ઘરાકી ઘટી છે તેને જોતા આ વર્ષની દીવાળી તેઓની માટે રોશની લાવી નથી.

(9:55 am IST)