Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મધ્ય પ્રદેશના મોરેનામાં પેટાચૂંટણી દરમિયાન ફાયરિંગ : મહિલાને ઇજા : ભાજપના ઉમેદવાર પર થયો આક્ષેપ

રુઅર મૈના વસઇના પોલીંગ બૂથ નંબર 125 પર અસામાજિક તત્ત્વોએ ગોળીબાર કર્યો

મધ્ય પ્રદેશ વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણીની પ્રક્રિયાનો આરંભ થયો હતો. દરમિયાન, મોરેના જિલ્લામાં સુમાવલી વિધાનસભા બેઠકના રુઅર મૈના વસઇના પોલીંગ બૂથ નંબર 125 પર અસામાજિક તત્ત્વોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારથી એક મહિલાને ઇજા થઇ હતી.

આ ગોળીબાર માટે ભાજપના ઉમેદવાર ઐદલ સિંઘને જવાબદાર ઘણાવાયા હતા અને એવો આક્ષેપ થયો હતો કે ગોળીબારના ડરે કુશવાહા સમાજના સેંકડો મતદારો મત આપ્યા વિના ઘરભેગા થઇ ગયા હતા. મધ્ય પ્રદેશના અન્ય વિસ્તારોની વાત કરીએ તો શિવપુરી જિલ્લાના પોહરી અને કરૈરામાં વોટિંગ મશીન બગડી જતાં મતદાન અટક્યું હતું. જો કે તરત મશીનને રિપેર કરી લેવામાં આવ્યું હતું. ભીંડમાં મેહગાંવ વિધાનસભા બેઠકના ખેરિયા થાપક ગામમાં મતદાન મશીન સમયસર શરૂ થયું નહીં એટલે મતદાનના આરંભમાં વિલંબ થયો હતો.

આ પેટાચૂંટણીમાં 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા અને અપક્ષો મળીને 355 ઉમેદવારો ઊભા હતા. આ ચૂંટણીનું પરિણામ નવેંબરની દસમીએ આવશે. આ 28 બેઠકોમાં 27 બેઠકો કોંગ્રેસની હતી પરંતુ કોંગ્રેસના સભ્યોએ રાજીનામાં આપતાં બેઠકો ખાલી પડી હતી. માળવાની એક બેઠક ભાજપની હતી. ભાજપે કોંગ્રેસ છોડીને પોતાની સાથે જોડાયેલા 25 નેતાઓને ફરી ચૂંટણીમાં ઊભા કર્યા હતા.

(11:05 am IST)