Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ટ્રમ્પ કે બિડેન

સટ્ટાબાજોના મતે કોને મળશે સિંહાસન?

લગભગ ૭૪પ૦ કરોડ રૂપિયા લાગ્યા છે દાવ પર : ર૦૧૬ કરતાં બમણો સટ્ટો

નવી દિલ્હી તા. ૩ :.. અમેરિકાની ચૂંટણી બાબતે દુનિયાભરના સટ્ટાબાજોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂંટણી માટે લગભગ એક અબજ ડોલર (લગભગ ૭૪પ૦ કરોડ રૂપિયા)નો સટ્ટો થયો છે. જે ર૦૧૬ની ચૂંટણીની સરખામણીમાં બમણો છે. ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બીડેન પર વધારે લોકો દાવ લગાવી રહ્યા છે. એટલે કે મોટા ભાગના સટ્ટાબાજો માને છે કે બીડેન જીતી જશે.

જો કે મુકાબલો કસોકસનો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આજે એટલે કે ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આજે ત્યાં અંતિમ મતદાન છે. આ ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડી રહયા છે. પણ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બીડેન તેમને જોરદાર ટકકર આપી રહયા છે. સટોડીયાઓ જો બીડેનની જીત પર વધારે દાવ લગાવી રહ્યા છે. ઇન્ટરનેશન મીડીયા રિપોર્ટસ અનુસાર આ દુનિયાનો સૌથી મોટો સટ્ટો બની શકે છે.

ચૂંટણી શરૂ થતા સુધીમાં સટ્ટાબાજીની રકમ ૧.૩ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ સટ્ટો ફુટબોલ મેચો માટે રમાય છે પણ આ વખતની અમેરિકન ચૂંટણી તેને પાછળ રાખી શકે છે. ત્યાં ઘણી એવી વેબસાઇટો છે જેમાં લોકો પોતાનો દાવ લગાવી રહ્યા છે. આ ઉપરાંત બ્રિટન, ન્યુઝીલેન્ડ, કેનેડાની ઘણી વેબસાઇટો દ્વારા પણ લોકો પોતાનો દાવ લગાવી રહયા છે.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ સટ્ટાબાજોના દાવને બહુ મજબુત સંકેત માનવામાં આવે છે. ત્યાંની છેલ્લા પ૦ વર્ષના સટ્ટાના ઇતિહાસમાં સટોડીયાઓએ જે ઉમેદવારને વિજેતા ગણાવ્યો હોય તેમાં દર ચારમાંથી ત્રણને વાસ્તવમાં જીત મળી છે એટલે કે સટોડીયાઓનો દાવ ૭પ ટકા સાચો પડે છે.

(11:44 am IST)