Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહાર-ચૂંટણીઃ બીજા ચરણમાં ૯૪-બેઠક પર મતદાન

તેજસ્વી યાદવ તથા બીજા ૧,૪૫૦ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી થશે

પટના, તા.૩: બિહારમાં રાજય વિધાનસભાની ચૂંટણીમાં આજે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. ૨૮ ઓકટોબરે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. આજે ૧૭ જિલ્લામાં ૯૪ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજનો તબક્કો રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવ તથા બીજા ૧,૪૫૦ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી થશે.

મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થઈ ચૂકયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. કોરોના વાઈરસના દર્દીઓ તથા આ રોગના લક્ષણ ધરાવતા લોકો પણ મતદાન કરી શકે એ માટે સાંજે પાંચ વાગ્યા પછી એક કલાક સુધી એમને માટે મતદાનનો સમય અલાયદો રખાશે.

રાજયના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર સુશીલકુમાર મોદીએ રાજેન્દ્રનગરમાં અને લોકજનશકિત પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ખગડિયામાં મતદાન કર્યું હતું.

સુશીલકુમાર મોદી, તેજસ્વી યાદવ ઉપરાંત એમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પણ આ જ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.

આજના તબક્કામાં કુલ ૨.૮૫ કરોડ મતદારો છે.

કુલ ઉમેદવારોમાં ૧,૩૧૬ પુરુષો અને ૧૪૬ મહિલાઓ છે. એક તૃતિય પંથીનો ઉમેદવાર છે.

ચૂંટણી પંચે ૧૭ જિલ્લામાં મતદાન માટે ૧૮,૮૨૩ મતદાન કેન્દ્રો ઊભા કર્યા છે, જયાં ૪૧,૩૬૨ પોલિંગ બૂથમાં લોકો મત આપી શકશે.

(11:49 am IST)