Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

EPF નિવેશના નિયમો બદલાશે

વિદેશી રોકાણકારો પરની નિર્ભરતા ઘટાડવા વ્યુહ

નવી દિલ્હી તા. ૩ :.. કર્મચારી ભવિષ્ય નિધી (ઇપીએફ) ના નિયમોમાં ખાસ ફેરફાર કરવાની યોજના કેન્દ્ર સરકાર બનાવી રહી છે જેથી વૈકલ્પિક રોકાણ ભંડોળો (એઆઇએફ) મારફત તેના નાણા રોકડની મુશ્કેલી અનુભવી રહેલ બુનિયાદી માળખા ક્ષેત્રમાં રોકી શકાય. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના ઘરેલુ બચત અને સંપતિઓને બુનિયાદી માળખા ક્ષેત્રમાં લગાવવાની કેન્દ્રની રણનીતિનો એકભાગ છે. આ રણનીતિનો ઉદેશ વિદેશી રોકાણકારો પર આ ક્ષેત્રની નિર્ભરતા ઓછી કરવાનો છે.

પ્રાથમિક અંદાજો દર્શાવે છે કે સરકાર આ ફંડો માટે રોકાણના કાયદામાં ઢીલ આપે તો લગભગ ૧૬ લાખ કરોડ રૂપિયાની ઘરેલુ પરિસંપતિઓ બુનિયાદી માળખા ક્ષેત્રમાં આવી શકે છે. જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર આ અંગે શ્રમ અને રોજગાર મંત્રાલય, સેબી, પેન્શન અને વીમા નિયામકો સહિત બધી લાગતી વળગતી સંસ્થાઓ સાથે વાતચીત કરી રહી છે.

યોજનાની માહિતી આપતા એક સિનીયર અધિકારીએ કહયું કે બુનીયાદી માળખા ક્ષેત્રમાં ઘણા એવા ઉત્પાદનો આવ્યા છે, જેમાં નિયમો બદલવા અથવા સુધારવાની જરૂર છે. તેમણે કહયું કે અત્યારે ઇપીએફનો મોટો હિસ્સો ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ બહાર પડાતા બોન્ડમાં રોકાય છે. પણ નિયમ બદલવાથી તે એઆઇએફ જેવી યોજનાઓમાં પણ રોકાણ કરી શકે છે. ઇપીએફ પોતાનું ભંડોળ (ગયા વર્ષે લગભગ ૧૩-૧૪ લાખ કરોડ રૂપિયા) દ્વારા કમાણી માટે ડેટ યોજનાઓ અને શેરબજારમાં રોકાણ કરે છે. શેરબજારમાં રોકાણ ૧પ ટકા જ કરી શકાય છે. બાકીની રકમ ડેટમાં રોકવામાં આવે છે.

(11:50 am IST)