Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

૧૦ રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૂ : MPમાં શિવરાજ -સિંધિયાની કસોટી

મધ્ય પ્રદેશની ૨૮ વિધાનસભા બેઠકો પરનો જંગ રસપ્રદ રહેશે. જયાં પોતાની સરકાર બચાવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે

નવી દિલ્હી,તા.૩: બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે જ મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્ત્।ર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, તેલંગાણા અને છત્ત્।ીસગઢ સહિત ૧૦ રાજયોની ૫૪ વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં મધ્ય પ્રદેશની ૨૮ વિધાનસભા બેઠકો પરનો જંગ રસપ્રદ રહેશે. જયાં પોતાની સરકાર બચાવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.

મધ્ય પ્રદેશમાં આ પેટાચૂંટણી દરમિયાન મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર જોવા મળ્યો હતો. રાજયની મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે. જયારે ગ્વાલિયર, ચંબલ ક્ષેત્રની બે થી ૩ બેઠકો પર બસપાના ઉમેદવારો ઉતરતા ત્રિકોણીય મુકાબલો છે.

તેલંગાણાની દુબ્બાક વિધાનસભા બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. અહીં ભાજપ અને ટીઆરએસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાના સમાચાર મળ્યાં છે. આ બેઠક પર ૨૦ ઉમેદવારો મેદાનમાં છે. જો કે કાંટાની ટક્કર ટીઆરએસ , ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોવા મળી રહી છે.

ટીઆરએસના વર્તમાન ધારાસભ્ય સોલીપેટા રામલિંગા રેડ્ડીનું આ વર્ષે ઓગસ્ટમાં બીમારી બાદ અવસાન થઈ જતાં અહીં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી રહી છે. ટીઆરએસ તરફથી તેમની પત્ની સોલીપેટા સુજાતાને ટિકિટ આપવામાં આવી છે.

ઉત્ત્।ર પ્રદેશની ૭ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થઈ રહી છે. જેમાં જૌનપુરની મલ્હાની, કાનપુરની દ્યટમપુર, ફિરોઝાબાદની ટૂંડલા, અમરોગા, નૌગાંવ, બાંગરમઉ અને દેવરિયા સામેલ છે. જેમાં મલ્હાની સીટ પર SP ધારાસભ્ય હતા જયારે બાકીની બેઠકો પર ભાજપનો જ કબ્જો હતો. SPએ ૬ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. જયારે બુલંદશહરમાં RLD ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ ભાજપ-બસપાએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યાં છે.

કોરોના મહામારીના સંકટ વચ્ચે ગુજરાતની ૮ વિધાનસભા બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ૨.૮૫ કરોડ મતદાતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ૧૫૦૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

છત્ત્।ીસગઢની મરવાહી બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ માટે મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને ભાજપ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

આ સિવાય બેંગલુરૂની RR નગર બેઠક, હરિયાણાના બરોડા વિધાનસભા વિસ્તારમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પેટાચૂંટણીમાં તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યાં છે. જેમાં ચૂંટણી કર્મચારીઓ માટે પીપીઇ કિટ્સ, વધુ મતદાન મથકો, થર્મલ સ્ક્રિનિંગ, સેનેટાઈઝર, મતદાતાઓ માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સામેલ છે.

જે મતદાતાઓ કોરોનાથી સંક્રમિત છે, તેમને અંતિમ કલાકોમાં અલગથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. જયારે મતગણતરી ૧૦ નવેમ્બરે થશે.

(12:50 pm IST)