Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ફ્રાન્સની એરસ્ટ્રાઇકઃ માલીમાં ૫૦ જેહાદીઓને કર્યા ઠાર

આ જેહાદીઓ આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હતા

નવી દિલ્હી, તા.૩: ફ્રાન્સે માલીમાં બુરકિનો ફાસો અને નાઇઝરની સીમા નજીક એર સ્ટ્રાઇક કરીને ૫૦થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે. આ જિહાદી આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હતા. ફ્રેન્ચ સરકારે જણાવ્યુ કે ઇસ્લામિક આતંકવાદ સામે ઝઝૂમી રહેલા સેન્ટ્રલ માલીમાં માલી સેનાની મદદ કરવા માટે ફ્રાન્સે એર સ્ટ્રાઇક કરી જેમાં આ આતંકીઓ ઠાર મરાયા છે. ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ માલીની સરકાર સાથે મુલાકાત બાદ કહ્યું કે, ફ્રાન્સની સરકાર જિહાદીઓ સામે ઓપરેશન બરખાને ચલાવી રહી છે. જેના અંતર્ગત ૩૦ ઓકટોબરે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં ૫૦થી વધુ આતંકીઓ ઠાર મરાયા, તેમના હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યા અને અનેક આતંકીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

નાઇજરના રાષ્ટ્રપતિ મહામદૌ ઇસ્સૌફૌ અને રક્ષા મંત્રી ઇસ્સૌફૌ કટામ્બે સાથે મુલાકાત બાદ ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ જણાવ્યું કે, એર સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછી ૫૦ મોટરસાઇકલ બરબાદ થઇ ગઇ છે. આ ઓપરેશન ત્યારે શરૂ કરવામાં આવ્યું જયારે એક ડ્રોને આ ક્ષેત્રમાં આતંકીઓ શોધી કાઢ્યા.

જયારે આતંકી ડ્રોનની નજરથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે બે મિરાજ ફાઇટર જેટ્સ અને એક ડ્રોન મોકલવામાં આવ્યા, જેણે મિસાઇલથી આતંકીઓનું કામ તમામ કરી નાંખ્યુ, તેમણે કહ્યુ કે ૪ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત વિસ્ફોટક અને સુસાઇડ વેસ્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણએ દાવો કર્યો કે આ આતંકી સેનાને નિશાન બનાવવા જઇ રહ્યાં હતા.

ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે, આ ઓપરેશન ઉપરાંત ફ્રાન્સ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ઘ ગ્રેટર સહારામાં એક ઓપરેશન ચલાવી રહ્યુ છે જેમાં ફ્રાન્સના ૩૦૦૦ સૈનિક સામેલ છે. ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે, ઓપરેશન બરખાને અલ-કાયદાના આતંકી સંગઠન અંસાર-ઉલ-ઇસ્લામ માટે મોટો ઝટકો સાબિત થયો છે, જેનો લીડર ઇયાદ અગ દ્યાલી છે. તે જૂન ૨૦૨૦માં અલ-કાયદા કમાન્ડર અબ્દેલમલેક ડ્રકડેલના મોત બાદ સૌથી મોટો જિહાદી લીડર બનીને ઉભરી આવ્યો હતો. જણાવી દઇએ કે પીસકીપીંગ મિશન અંતર્ગત સંયુકત રાષ્ટ્રના ૧૩,૦૦૦ શાંતિ દૂત માલીમાં તૈનાત છે.

(2:59 pm IST)