Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધારોઃ ર૪ કલાકમાં ૩૮૧૧૦ કેસ નોંધાયા

રાજકોટ, તા. ૩ : દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. નવા કેસોની  સંખ્યા દ્યટવા અને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધવાના કારણે કોરોનાના એકિટવ કેસોનો આંકડો સતત ઓછો થઈ રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮,૩૧૦ નવા પોઝિટિવ કેસ  મળ્યાં છે. જે એક સપ્તાહમાં મળેલા સૌથી ઓછા કેસ છે. જયારે આજ સમયગાળા દરમિયાન વધુ ૪૯૦ કોરોના સંક્રમિતોના મરણ નોંધાયાં છે.

નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૮૨,૬૭,૬૨૩ પર પહોંચી ચૂકી છે. જયારે મૃતકોની સંખ્યા વધીને ૧,૨૩,૦૯૭ પર પહોંચી ગઈ છે.

આ દરમિયાન એકિટવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ૨૦,૫૦૩ દર્દીઓની કમી થયા બાદ દેશમાં એકિટવ કેસની કુલ સંખ્યા ૫,૪૧,૪૦૫ રહી ગઈ છે. છેલ્લા કલાકમાં ૫૮,૩૨૩ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ દેશમાં કુલ ૭૬,૦૩,૧૨૧ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

દેશમાં કોરોના રિકવરી રેટ  એટલે કે સ્વસ્થ થનારા દર્દીઓનો દર ૯૧.૯૬ ટકા પર પહોંચી ચૂકયો છે. એકિટવ દર્દીઓનો દર ૬.૫૪ ટકા જયારે મૃત્યુદર ૧.૪૮ ટકા છે. કુલ ટેસ્ટમાં પોઝિટિવ મળનારાનો દર એટલે કે પોઝિટિવિટી રેટ પણ દ્યટીને ૩.૬૬ ટકા પર આવી ગયો છે.

ICMR તરફથી રજૂ કરવામાં આવેલા ટેસ્ટિંગના આંકડા અનુસાર, અત્યાર સુધી કુલ ૧૧,૧૭,૮૯,૩૫૦ સેમ્પલ તપાસવામાં આવી ચૂકયાં છે. સોમવારે કુલ ૧૦,૪૬,૨૪૭ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે.

દેશમાં સતત પાંચમાં દિવસે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૬ લાખની નીચે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, કોરોનાથી સ્વસ્થ થવા મામલે ભારત સમગ્ર વિશ્વમાં ટોચ પર છે. જયારે એકિટવ કેસો સતત દ્યટી રહ્યાં છે.

(3:01 pm IST)