Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સોનું વેચવા જાઓ તે પહેલાં ટેક્ષની વાત જાણી લેજોઃ નહીંતર થશે મુશ્કેલી

તમે બજારમાં ગોલ્ડ જવેલરી કે ગોલ્ડ બાર વેચવા જાઓ છો તો તેના પર બે પ્રકારનો ટેકસ લાગે છે

મુંબઇ, તા.૩: સોનાના દાગીનાને લઈને ભારતીય પરિવારો ખૂબ જ ભાવુક હોય છે. મોટાભાગના લોકોને સોનાના દાગીના પોતાના માતા પિતાથી અને તેમના વારસામાં મળ્યા હોય છે. લોહીના સંબંધોમાં જો કોઈ ગોલ્ડ ગિફ્ટ કરે તો તેના પર તમારે કોઈ ટેકસ ચૂકવવો પડતો નથી પરંતુ એ જ સોનાના દાગીના તમે વેચવા જશો તો તમારે ટેકસ ચૂકવવો પડે છે.

કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ સોનું વેચાની ગુજરાન ચલાવ્યું છે.  અનેક લોકોએ સોનું જયારે ૫૬૦૦૦ના ઊંચાઈએ પહોંચ્યું તો વેચીને ખૂબ નફો પણ કમાવ્યો. પણ સોનું વેચતા પહેલાં એ જરૂર જાણી લેવું જોઈએ કે જો તમે બજારમાં સોનું વેચવા જશો તો તમારે કેટલો ટેકસ ચૂકવવો પડે છે.

ટેકસના નિયમો મુજબ પહેલાં એ જોવામાં આવે છે કે તમને કોઈએ ગોલ્ડ ગિફ્ટ કર્યું છે કે પછી તે વારસામાં મળ્યું છે. જો વારસામાં મળ્યું હોય તો તમારી પાસે કયારથી છે અને તે સમયે ગોલ્ડનો ભાવ શું હતો. પછી ગોલ્ડ વેચવા પર થનારા ફાયદાની ગણતરી થાય છે. ત્યારબાદ જેટલો પણ ફાયદો જોવા મળે તે પ્રમાણે ટેકસ લાગે છે. એટલે જ તમે પણ આ રીત બરાબર સમજી લો જેથી ટેકસને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ થાય નહીં. જયારે તમે બજારમાં ગોલ્ડ જવેલરી કે ગોલ્ડ બાર વેચવા જાઓ છો તો તેના પર બે પ્રકારનો ટેકસ લાગે છે.

જો તમે સોનું તેની ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ચૂકવવું પડે છે. એટલે કે  ગોલ્ડ વેચીને તમે જેટલો પણ ફાયદો કર્યો તેના પર તમારે ઈન્કમ ટેકસ સ્લેબ પ્રમાણે (STCG) ટેકસ ચૂકવવો પડે. જેમાં તમે સોનાની વેચાણ વેલ્યુમાંથી ખરીદ વેલ્યુને ઘટાડી દો. હવે જે અમાઉન્ટ આવશે તે તમારી STCG કહેવાશે. આ અમાઉન્ટ તમારી આવકમાં જોડાશે. ત્યારબાદ તમે ઈન્કમ ટેકસના જે સ્લેબમાં આવશો તે પ્રમાણે ટેકસ લગાવવામાં આવશે.

જો તમે ગોલ્ડ ખરીદો અને ૩ વર્ષ બાદ વેચો તો તમારે સોનાના વેચાણ પર જે પણ નફો થયો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસ ચૂકવવો પડે છે. સોનાને વેચવા પર થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ૨૦ ટકા ટેકસ લાગે છે. LTCGમાં તમારે ઈન્ડેકસેશન

(indexation)નો ફાયદો મળે છે. જે હેઠળ તમે તમારા ગોલ્ડના વેચાણ મૂલ્યામાં ગોલ્ડની ખરીદીની ઈન્ડેકસ કોસ્ટ ઘટાડી દો છો.

જાણો કેવી રીતે નીકળશે ગોલ્ડની ખરીદીનો રેટ સોનું ૧ એપ્રિલ ૨૦૦૧ અગાઉ વારસામાં કે ભેટમાં મળ્યું છે તો તમે ૧ એપ્રિલ ૨૦૦૧ સુધીના સોનાના ફેર માર્કેટ વેલ્યૂ (FMV) કે ખરીદ રેટ પ્રમાણે તેની વેલ્યુ કાઢી શકો છો. જો ૧ એપ્રિલ ૨૦૦૧ બાદ તમને વારસામાં મળ્યું છે તો તમારે ખરીદ રેટ પર જ તેની ગણતરી કરવી પડશે.

(3:32 pm IST)