Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહારમાં બીજા તબક્કામાં ૧ વાગ્યા સુધીમાં ૩ર.૮ર ટકા મતદાન : દિગ્ગજોનું વોટીંગ

નીતિશકુમાર તેજસ્વી યાદવ, સુશીલ મોદી સહિતનાઓએ કર્યુ મતદાન

નવી દિલ્હી, તા. ૩ :  બિહાર વિધાનસભા ચૂંટણી ર૦ર૦ના બીજા ચરણ માટે મતદાને રફતાર પકડી લીધી છે. ઇવીએમની ખરાબીની ફરીયાદના કારણે અનેક સ્થળો પર એક બે કલાકનું મોડુ મતદાન શરૂ થયું છે. બપોર ૧ વાગ્યા સુધીમાં ૩ર.૮ર ટકા મતદાન નોંધાયું છે.  મતદાનમાં શરૂ થી જ બિહારના અનેક દિગ્ગજ નેતાઓએ મત આપ્યો. તેમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને તેના પ્રતિપક્ષ તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી સહિત ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, કેન્દ્રીય રાજયમંત્રી નિત્યાનંદરાય, બિહાર બીજેપી પ્રભારી સંજય જાયસવાલ અને ગોડ્ડા એમપી નિશિકાંત ડૂબે તેેવા નેતાઓએ મત આપ્યો. બીજીબાજુ વૈશાલી જીલ્લાના લાલગંજ વિધાનસભા ક્ષેત્રની મતદાન કેન્દ્રની સંખ્યા ૧૯૧ સુરક્ષામાં તૈનાત બીએસએફના સબ ઇન્સ્પેકટ કેઆર ભાઇનો હાર્ટ એટેક થવાથી મોત થયું છે.

બિહારમાં હાલ બીજા તબક્કાના ચૂંટણી માટેનું મતદાન ચાલુ છે. બીજા તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ૧૪૬૩ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. બીજા તબક્કામાં પશ્યિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર, સીતામઢી, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, છપરા, વૈશાલી, સમસ્તીપુર, બેગૂસરાય, ખગડીયા, ભાગલપુર, નાલંદા અને પટાનામાં મતદાન થઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મતદારોને ભારે સંખ્યામાં બહાર આવી મતદાન કરવા અપીલ કરી છે. તથા લોકતંત્રના આ મહાપર્વને સફળ બનાવવાનો અનુરોધ કર્યો છે.

રાજદ નેતા તેજસ્વી યાદવે લોકોને વોટ આપવાની અપીલ કરી છે, મતદાન કર્યા બાદ તેમણે કહ્યુ હતું કે, હું લોકોને આ લોકતંત્રના તહેવારમાં ભાગ લેવા અપીલ કરૂ છું. મને આશા છે કે, લોકો પોતાના મતની તાકાત દ્વારા બદલાવ લાવશે. આજે બિહારના લોકો અભ્યાસ, દવા, કમાણી, સિંચાઈ, મોંદ્યવારી, સુનવાણી વાળી સરકાર ઈચ્છે છે. મને પુરો વિશ્વાસ છે કે, લોકતંત્રમાં તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ ફેરબદલાવ માટે જરૂર કરશે.

(3:38 pm IST)