Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર રાષ્‍ટ્રીય સ્‍તરના રાજકારણમાં પણ જોવા મળશેઃ ભાજપની મુશ્‍કેલી વધવાની શક્‍યતા

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો માત્ર એક રાજ્યમાં સરકાર બનાવવા પુરતા સમિત નહી રહેતા, તેની અસર રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં પણ જોવા મળશે. જો બિહારમાં NDAની સરખામણીમાં કોંગ્રેસ, લેફ્ટ અને RJDનું મહાગઠબંધન આગળ નીકળી જશે, તો ભાજપની (BJP) મુશ્કેલી વધી શકે છે.

સમગ્ર દેશમાં ભારત વિરોધી તમામ પાર્ટીઓના એક મંચ પર આવવાનો માર્ગ મોકળો થઈ જશે. ભાજપ નહીં ઈચ્છે કે, તેના વિરુદ્ધ કોઈ એવું ગઠબંધન બને, જે વિવિધ રાજ્યોની ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેના માટે કોઈ ખતરો બનીને ઉભરે.

ભાજપના નેતૃત્વને બિહારની ચૂંટણીને માત્ર જીત સુધી સમિત નથી રાખી, પરંતુ તે વિપક્ષી તાકાતની પણ સમીક્ષા કરી રહ્યું છે. બિહારમાં કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ અને RJD ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. તેમનું સાથે આવવું એટલા માટે પણ મહત્વનું થઈ જાય છે, કારણ કે દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસનો પ્રભાવ તો છે જ, જ્યારે અનેક નાના રાજ્યોમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનું પણ વર્ચસ્વ છે.

ભાજપની એક ચિંતા એ પણ છે કે, તેની આગેવાની વાળું ગઠબંધન NDA હવે તૂટી રહ્યું છે. શિવસેના અને અકાલી દળ જેવી વર્ષો જૂની સહયોગી પાર્ટીઓ બહાર ગયા બાદ બિહારની ચૂંટણીના પરિણામો JDU-LJPને લઈને નિર્ણાયક સાબિત થશે.

બિહાર બાદ ભાજપ માટે પશ્ચિમ બંગાળ મોટો પડકાર છે. ભાજપ બંગાળમાં મોટી આશા રાખીને બેઠું છે, પરંતુ જો બિહારના પરિણામો વિપરિત આવશે તો પશ્ચિમ બંગાળ પર પણ તેની અસર થઈ શકે છે. ભાજપને રોકવા માટે ત્યાં પણ ભાજપ વિરોધી પાર્ટીઓ એકજૂટ થઈ શકે છે. જેનાથી ભાજપ માટે પશ્ચિમ બંગાળનો ગઢ જીતવો વધારે કપરો સાબિત થશે.

ભાજપ પોતાની સાથે કેટલીક નવી પ્રાદેશિક પાર્ટીઓને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેમાં આંધ્ર પ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટી છે. ઓડિશાની BJD અને તેલંગાણાની TRS સાથે ભાજપના સબંધો એટલા ખરાબ પણ નથી. તમિલનાડુની AIADMK ભાજપને સમર્થન કરે છે. જો કે ગઠબંધનની રાજનીતિ માટે ભાજપને પોતાના જૂના સાથીઓની પણ એટલી જ જરૂર પડશે.

(4:55 pm IST)