Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ફ્રાન્‍સના વાયુદળ દ્વારા આફ્રિકી દેશ માલીમાં જોરદાર હવાઇ હૂમલોઃ અલકાયદાના 50 આતંકી ઠાર મરાયાઃ 4ને પકડી પાડયા

પેરિસ/બમાકોઃ ફ્રાન્સના વાયુદળે આફ્રિકી દેશ માલીમાં જોરદાર હવાઇ હુમલો કરી દીધો. ફ્રાન્સની સંરક્ષણ મંત્રીએ માલીમાં સક્રીય અલકાયદાના 50 આતંકીઓને ઠાર માર્યાનો અને 4 આતંકી પકડવાનો દાવો કર્યો છે.

ફ્રાન્સ એર ફોર્સના મિરાજ ફાઇટર વિમાનો અને ડ્રોન વિમાનોઅ મધ્ય માલીમાં મિસાઇલોથી હુમલો કર્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ હુમલો બુર્કીન ફાસો અને નાઇજરની સરહદ નજીક શુક્રવારે કરવામાં આવ્યો હતો.

આતંકીઓની 30 મોટર સાઇકલ હુમલામાં નષ્ટ

ફ્રાન્સની સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં શસ્ત્રો જપ્ત કરાયા છે. સાથે 30 મોટર સાઇકલ પણ હુમલામાં નષ્ટ કરી દેવાઇ છે. આ વિસ્તારમાં માલી સરકાર ઇસ્લામિક આતંકીઓનો સામનો કરી રહી છે.

આત્મઘાતી જેકેટ સાથે 4 આતંકી પકડાયા

ફ્રાન્સ સેનાના પ્રવક્તા કર્નલ ફ્રેડરિક બાર્બરીએ જણાવ્યું કે 4 આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમની પાસેથી એક આત્મઘાતી જેકેટ પણ જપ્ત કરાયુ છે. તેમણે કહ્યું કે અલ-કાયદા સાથે લિંક ધરાવતું આ સંગઠન સેનાના મથક પર હુમલો કરવાની ફિરાકમાં હતું. ફ્રાન્સની સેનાએ ગત સપ્તાહે જિહાદી વિરોધી અભિયાનની શરુઆત કરી હતી.

ફ્રાન્સની સંરક્ષણમંત્રી હાલ બમાકોમાં

ફ્રાન્સની સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી બમાકોમાં છે. તેમણે માલી સરકારના મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી, ત્યાર બાદ જણાવ્યું કે તેમના ડ્રોનમાં 30થી વધુ મોટર સાઇકલનો કાફલો દેખાયો ત્યાર બાદ તેમની સેનાએ હવાઇ હુમલો કર્યો હતો.

પાર્લેએ જણાવ્યું આ વિસ્તાર આતંકીઓના કબજામાં હતો. તેથી હુમલો કરતા પહેલાં ડ્રોનથી સમગ્ર પરિસ્થિતિ તપાસવામાં આવી હતી. જેમાં જણાયું હતું કે મોટી સંખ્યામાં આતંકીઓ મોટર સાઇકલ્સ પર સવાર થઇ ત્રણ દેશોની સરહદો પર હતા.

ડ્રોનથી બચવા માટે તેમણે વૃક્ષોનો આશરો લીધો હતો. પરંતુ માહિતી પાકી હોવાનું જણાયા બાદ ફ્રાન્સે પોતાના બે મિરાજ ફાઇટર વિમાન મોકલ્યા અને આતંકીઓ પર મિસાઇલથી હુમલો કરી દીધો.

પયગમ્બર સાહેબના કાર્ટૂન બાદ તણાવ વધ્યો

નોંધીનીય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક ટિચરે હજરત મુહમ્મદ પયગમ્બર સાહેબનું કાર્ટૂન દોરતા 18 વર્ષીય ચેચન મુસ્લિમ અબ્દુલ્લાખ અંજોરોવે 16 ઓક્ટોબરે સેમ્યુઅલ પેટી નામના શિક્ષકનું માથું ધડથી વાઢી નાંખ્યું હતું. અબ્દુલ્લાખે પેરિસની સ્કૂલમાં ઘૂસી આ હુમલો કર્યો હતો.

ત્યાર બાદ 29 ઓક્ટોબરે ટ્યૂનેશિયાના 21 વર્ષીય ઇબ્રાહિમ ઓઇસાઓઇએ ફ્રાન્સના નીસ શહેરના નોટ્રેડોમ ચર્ચની અંદર ત્રણ લોકોની ચાકુથી હત્યા કરી નાંખી હતી. તેમાંથી એક મહિલાનો છિરચ્છેદ કર્યો હતો.

બે દિવસ પહેલા લ્યોન શહેરમાં ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચની બહાર ગોળીબારીમાં પાદરી ગંભીરરુપે ઘાયલ થયો હતો. પછી યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં સોમવારે હથિયારધારી હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

જેમાં  7 લોકોના મોત થયા હતા અને એક પોલીસ કર્મચારી સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.વિયેનામાં થયેલા આ હુમલાને પણ ફ્રાન્સના હુમલા સાથે સરખાવવામાં આવી રહ્યો છે.

અમે ઝૂકીશું નહીં: ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રૌં

દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રૌંએ વિયેનાના હુમલા અંગે લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ફ્રાન્સ પછી અમારા એક મિત્ર દેશ પર હુમલો થયો, આ અમારુ યુરોપ છે. અમારા દુશ્મનોને ખબર હોવી જોઇએ કે તેઓ કોની સાથે લડી રહ્યા છે. અમે ઝૂકીશું નહીં.

યુએનના 13000 સૈનિકો શાંતિ મિશન માટે માલીમાં

આતંકીઓનો સામનો કરી રહેલા માલીમાં સંયુક્ત રાષ્ટ્રે શાંતિ મિશનનના ભાગરુપે 13000 જેટલા સૈનિકોને ત્યાં ઉતાર્યા છે. આ અભિયાન MINUSMA તરીકે ઓળખાય છે. જેમાં ફ્રાન્સે પોતાના 1500 સૈનિકોને સાહેલ વિસ્તારમાં તહેનાત કર્યા છે. માલી 2012થી પોતાના વિસ્તારમાં ખૂંખાર આતંકીઓ દેખાયા બાદતી તેમની સામે ઝઝૂમી રહ્યું છે.

(4:56 pm IST)