Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજ્યની આઠ બેઠકની પેટા ચૂંટણીમાં ૫૯ ટકા મતદાન

મોરબીમાં ૨૦ જગ્યાએ ઈવીએમ ખરાબ : ડાંગમાં ૭૪.૭૧ ટકા સૌથી વધુ જ્યારે ધારીમાં સૌથી ઓછું ૪૨.૧૮ ટકા મતદાન : ૧૦મી નવેમ્બરે પરિણામ આવશે

અમદાવાદ, તા. ૩ : ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ ૫૯% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ડાંગ બેઠક પર ૭૪.૭૧% મતદાન નોંધાયું છે જ્યારે અમરેલીના ધારીમાં સૌથી ઓછું ૪૨.૧૮% મતદાન નોંધાયું છે. આ ઉપરાંત વલસાડની કપરાડા બેઠક પર ૬૭.૩૪% મતદાન, વડોદરાની કરજણ બેઠક પર ૬૫.૯૪% મતદાન, કચ્છની અબડાસા બેઠક પર ૫૭.૭૮% મતદાન, સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર ૫૬.૦૪% મતદાન, મોરબી બેઠક પર અત્યાર સુધી ૫૧.૮૮% મતદાન, બોટાદની ગઢડા બેઠક પર ૪૭.૮૬% મતદાન. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા કુલ ૮૧ ઉમેદવારોનાં ભાવી ઈવીએમમાં સીલ થયા છે. હવે જોવાનું રહેશે કે આગામી ૧૦ નવેમ્બરે પેટાચૂંટણીના પરિણામમાં કોનું ભવિષ્ય ચમકે છે.

મોરબીમાં ૨૦ જગ્યાએ ઈવીએમમાં ખરાબી જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણ તમામ ઇવીએમને બદલવામાં આવ્યા હતા. ત્યાં જ કરજણનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા કેટલાક લોકો રિક્ષામાં બેસી મતદાન કરવા જતા મતદાતાઓને રોકડા રૂપિયા આપી રહ્યાં છે અને કહી રહ્યા છે કે, ઇવીએમનું પ્રથમ બટણ દબાવી ભાજપને વોટ આપજો, આ મામલે વાયરલ વીડિયો બાદ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી ભાજપ દ્વારા જનાદેશ ખરીદવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ કર્યો છે.

મુખ્યમંત્રી દ્વારા મતદાન પુર્ણ થયા બાદ તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરવાની સાથે તમામ ૮ બેઠકો પર ભવ્ય જીત થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

(9:54 pm IST)