Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ચીને પયગંબરનું વ્યંગચિત્ર મુક્યું છતાં મુસ્લિમ દેશો મૌન

ફ્રાન્સ સામે વિરોધ નોંધાવનારા મુસ્લિમ દેશો ચુપ : ચીને સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝને તાજેતરમાં જ પયગમ્બર મોહમ્મદનું ઠઠ્ઠાચિત્ર પ્રસારિત કરતા વિવાદ

નવી દિલ્હી, તા. ૩ : ફ્રાન્સમાં પયગમ્બર મોહમ્મદના કાર્ટૂનને લઇને પાકિસ્તાને સખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈંક્રોંન પર ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે ચીને સરકારી ટેલિવિઝન પર પયગમ્બર મોહમ્મદની તસવીરો દર્શાવી તો પાકિસ્તાને મૌન સાધી લીધું છે. ચીને સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનએ હાલમાં જ પયગમ્બર મોહમ્મદનું ઠઠ્ઠાચિત્ર પ્રસારિત કર્યું હતુ.

વીગર એક્ટિવિસ્ટ અર્શલાન હિદાયતે ચાઇનીઝ ટીવી સીરીઝની આ ક્લિપ ટ્વીટ કરી હતી. આ ક્લિપમાં તાંગ રાજવંશના દરબારમાં એક અરબ રાજદૂતને બતાવવામાં આવ્યો છે. આમાં અરબ રાજદૂત પયગમ્બર મોહમ્મદનું એક પેઇન્ટિંગ ચીની સમ્રાટને સોંપતા જોવા મળે છે. જોકે ચીનની આ હરકતની વિરુદ્ધ પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. પાકિસ્તાન તો પહેલા પણ ચીનમાં ઉઇગર મુસ્લિમોના દમન અને ત્રાસ ગુજારવા પર પણ મૌન રહ્યું છે.

ચીનમાં ટીવી પર પયગમ્બર મોહમ્મદનું આ પ્રકારનું ઠઠ્ઠાચિત્ર દર્શાવવામાં આવાથી અનેક લોકો ચિંતિત થયા. સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે પ્રશ્ન કર્યો કે શું ટીવી શૉમાં મોહમ્મદનું પેઇન્ટિંગ્સ દર્શાવવું ઈશનિંદા નથી? એક યૂઝરે પણ પ્રશ્ન કર્યો કે શું મુસ્લિમ દુનિયા હવે પયગમ્બર મોહમ્મદનું ઠઠ્ઠાચિત્ર દર્શાવવા પર ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે? જોકે પાકિસ્તાનનું ચીનના ઉઇગર મુસ્લિમોને લઇને પહેલા પણ બેવડું વલણ જોવા મળતુ રહ્યું છે.

પાકિસ્તાન કાશ્મીરથી લઇને પેલેસ્ટાઇનના મુદ્દે તો બરાડા પાડી-પાડીને અવાજ ઉઠાવતુ રહ્યું છે, પરંતુ ઉઇગર મુસલમાનોની વાત આવે છે ત્યારે તે મૌન ધારણ કરી લે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને અનેકવાર ચીનમાં ઉઇગર મુસ્લિમોની દયનીય હાલતને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેઓ સંપૂર્ણ રીતે બેખબર બની ગયા. કેટલાક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાન ચીનને સમર્થન આપતા જોવા મળ્યા અને કહ્યું કે, દરેક દેશને આતંકવાદ સામે લડવાનો અધિકાર છે.

(9:59 pm IST)