Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહારની ચૂંટણીના બીજા ચરણમાં ૫૪ ટકા મતદાન

ચૂંટણી પરિણામ ૧૦ નવેમ્બરે આવશે

પટણા, તા. ૩ : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૭ જીલ્લાઓની ૯૪ સીટો માટે મતદાન પૂર્ણ થયુ છે. કોરોના મહામારી વચ્ચે થઇ રહેલા મતદાનમાં મતદાતાઓએ ભારે ઉત્સાહથી મત આપ્યા છે. સરેરાશ ૫૪ ટકા જેટલું મતદાન થયું હોવાનું જામવા મળ્યું છે.  મતદાનના પ્રારંભથી જ કેન્દ્રો પર ભારે લાંબી લાઇનો જોવા મળી હતી. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ મતદાતાઓએ લોકતંત્રના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.  બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અહીંના દિગ્ગજ નેતાઓ તેજસ્વી યાદવ, પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ અને પુષ્પમ પ્રિયા ચૌધરીના નસીબ દાવે લાગ્યુ છે. બિહાર ચૂંટણીના પરિણામ ૧૦ નવેમ્બરે જાહેર થશે.બીજા ચરણના મતદાનના પ્રારંભમાં જ કેટલાક બૂથ પર ઇવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદો આવી હતી, પરંતુ ચૂંટણી પંચની સક્રિયતાએ તેનું નિરાકરણ લાવી દીધુ હતું અને બીજા તબક્કાનું મતદાન પણ પહેલા તબક્કાના મતદાનની જેમ શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું. અહીં મતદાન દરમિયાન  કોઇપણ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. જોકે કેટલાક જીલ્લાઓમાં લોકોએ વિકાસના મુદ્દે મતદાનનો વિરોધ પણ કર્યો હતો.

(10:00 pm IST)