Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સંયુક્ત અરબ અમિરાતે ફ્રાન્સને ખુલ્લું સમર્થન કર્યું

પાકિસ્તાન-તૂર્કિ સહિતના મુસ્લિમ દેશોને આઘાત : મુસ્લિમોને ફ્રાન્સમાંથી કાઢી મૂકવાના આરોપો ફગાવાયા

દુબઈ, તા. ૩ : ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવાને લઈને અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરંતુ યુએઈના વિદેશમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેન્ડનું સમર્થન કર્યુ છે. યુએઈના વિદેશમંત્રી અનવર ગાર્ગાશે કહ્યું હતું કે, મુસ્લિમોએ મેક્રોનના પશ્ચિમી સમાજને અનુકૂળ ઢળવાની વાત સ્વીકારવી જોઈએ. અગાઉ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સેનાના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડરે પણ ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી.

જર્મન ડેઈલી ડાઈ વેલ્ટને સોમવારે આપેલા ઈન્ટરવ્યુમાં અનવર ગાર્ગાશે કહ્યું હતું કે, મેક્રોને પોતાના ભાષણમાં જે પણ કહ્યું છે મુસ્લિમોએ તેને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. મેક્રોન પશ્ચિમમાં મુસ્લિમોને અલગ થલગ કરવા માંગતા નથી અને તેઓ પોતાની જગ્યાએ બિલકુલ સાચા છે. અનવર ગાર્ગાશે કહ્યું હતું કે, મુસ્લિમોએ પશ્ચિમી દેશોમાં વધુ સારી રીતે ઢળવાની જરૂર છે. ફ્રાન્સને અધિકાર છે કે તે અતિવાદી અને સમાજિક અંતરો સામે લડીને તે હાંસલ કરે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સમાં રહેતા મુસલમાનોને કાઢી મૂકવા માંગતા હોવાના આરોપોને પણ ગાર્ગાશે ફગાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, યુએઈના મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અરબ અને મુસ્લિમ દેશો દેશોમાં મેક્રોનની ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. મેક્રોને પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવાનો બચાવ કર્યો અને કહ્યું હતું કે, ફ્રાન્સમાં તમામ પ્રકારના મતભેદોનું સન્માન કરવામાં આવશે.

મેક્રોને ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાને ઈસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ફ્રાન્સની સરકાર એવું બિલ પણ લાવવા જઈ રહી છે જે હેઠળ ઈસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને અલગતાવાદી ગતિવિધિઓ પર નકેલ કરવામાં આવશે. અનેક કટ્ટરપંથી સંગઠનો પર પહેલેથી પ્રતિબંધ લાગી ચૂક્યો છે. આ અગાઉ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સેનાના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. ક્રાઉન પ્રિન્સે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી અને આતંકી હુમલાના પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, આ પ્રકારની ગતિવિધિઓ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમના પાઠ ભણાવનારા તમામ ધર્મોના સિદ્ધાંતો-મૂલ્યો વિરુદ્ધ છે. પ્રિન્સે હેટ સ્પીચને સીધી રીતે ફગાવતા કહ્યું હતું કે, તેનાથી લોકોના પરસ્પર સંબંધોને નુકસાન પહોંચે છે અને અતિવાદી વિચારધારાને પ્રોત્સાહન મળે છે. અપરાધ, હિંસા, અને આતંકવાદનો કોઈ પણ પ્રકારે બચાવ કર્યો એ ખોટું છે. પયગંબર મોહમ્મદ માટે મુસલમાનોના મનમાં અપાર શ્રદ્ધા છે. પરંતુ આ મુદ્દાને હિંસા સાથે જોડવી અને તેનું રાજનીતિકરણ કરવું એ બિલકુલ અસ્વીકાર્ય છે. જાહેર છે કે, તાજેતરમાં ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા હુમલા અગાઉ એક શાળામાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન દેખાડનારા ટીચરની માથું વાઢી નાખવામાં આવ્યું હતું.

(10:02 pm IST)