Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટી : આયાત ઘટવાથી વેપારખાધ સંકોચાઇ

આયાતમાં 11,56 ટકા ઘટાડો નોંધાયો : નિકાસ કરતા આયાતમાં વધુ ઘટાડાને પગલે વેપાર ખાધ સંકોચાઇ

નવી દિલ્હીઃ ભારત માટે ફરી એક વખત નિકાસ મોરચેથી માઠાં સમાચાર આવ્યા છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા ઓક્ટોબર મહિનાના આયાત-નિકાસના આંકડા જાહેર કરાયા છે. જેમાં ઓક્ટોબર મહિનામાં કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર નોંધાઇ છે. જે દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જેમ્સ અને જ્વેલરી, લેધર અને એન્જિનિયરિંગ માલસામાનની ઓછી નિકાસને આભારી છે.

 નિકાસની તુલનાએ આયાતમાં બમણા દરે ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં દેશમાં માલસામાનની કુલ આયાત વાર્ષિક તુલનાએ 11.56 ટકા ઘટીને 33.6 અબજ ડોલર થઇ છે. નિકાસ કરતા આયાતમાં વધુ ઘટાડાને પગલે દેશની વેપાર ખાધ સંકોચાઇ છે. ઓક્ટોબરમાં દેશની વેપાર ખાધ સંકોચાઇને 8.78 અબજ ડોલર થઇ છે. જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં વેપારખાધ 11.76 અબજ ડોલર નોંધાઇ હતી. ઉલ્લેખનિય છે કે, સતત છ મહિના સુધી નકારાત્મક વૃદ્ધિદર બાદ સપ્ટેમ્બરમાં ભારતની નિકાસ વધી હતી. હવે ફરી ઓક્ટોબરમાં એક્સપોર્ટ ઘટી છે.

ઓક્ટોબરમાં જે મુખ્ય માલસામાનની નિકાસમાં ઘટાડો નોંધાયો છે તેમા - પેટ્રોલિયમ પ્રોડક્ટસની નિકાસ 53.5 ટકા, કાજુની 21.57 ટકા, રત્ન અને ઝવેરાતની 21.27 ટકા, લેધર પ્રોડ્કટ્સની 16.69 ટકા, મેન-મેઇડ યાર્ન/ ફેબ્રિક્સ/ મેઇડ-અપ્સ ફેબ્રિક્સની 12.82 ટકા, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની 9.40 ટકા, કોફીની 9.25 ટકા, મરિન પ્રોડ્કટ્સની 8.09 ટકા અને એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ 3.84 ટકા ઘટી છે.

ઓક્ટોબરમાં જે ચીજોની નિકાસ વધી છે તેમાં ચોખા, તેલીબિયાં ખોળ, આર્યન ઓર, તેલીબિયાં, કાર્પેટ, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડ્કટ્સ, મરીમસાલા, કોટન અને કેપિટલ શામેલ છે.

(12:35 am IST)