Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બ્રિટન અને રશિયામાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારો

પહેલાં જેવો કોરોનાનો કહેર કેટલાંક દેશોમાં પરત ફર્યો : બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ ઘાતક, હવે ડેલ્ટાની સબ-લાઈનેજ એવાય.૪.૨ના કેસો અત્યારે ઝડપથી વધી રહ્યા છે

લંડન , તા.૨ : આજથી લગભગ ૨ વર્ષ પહેલા શરૂ થયેલો કોરોના વાયરસનો કહેર હવે કેટલાંક દેશોમાં પરત ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ગત કેટલાંક દિવસોમાં રશિયા, બ્રિટન, ચીન, સિંગાપુર, યુક્રેન અને પૂર્વ યુરોપ સહિત અન્ય કેટલાંક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ધીરે-ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના સૌથી વધારે કેસો બ્રિટન અને રશિયામાં જોવા મળી રહ્યા છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના તાજેતરના રિપોર્ટ મુજબ, બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ ઘાતક સાબિત થયો છે પણ હવે ડેલ્ટાની સબ-લાઈનેજ એવાય.૪.૨ના કેસો અત્યારે ઝડપથી વધી રહ્યા છે.

કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા ચીને મોટાપાયે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. મેયર સર્ગેઈ સોબયાનિન એક રશિયા ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રશિયામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ અઠવાડિયાના અંત સુધીમાં અને આગામી અઠવાડિયાની શરૂઆત સુધીમાં કોરોના વાયરસની શરૂઆતથી અત્યાર સુધીમાં રશિયાના મૉસ્કોમાં મૃતકોનો આંક મહત્તમ સંખ્યા સુધી પહોંચી જશે.

કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને તારીખ ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી એક અઠવાડિયા માટે 'પેઈડ હોલિડે'ની જાહેરાત કરી દીધી છે.

સિંગાપોરે ગુરુવારે કોરોના વાયરસના ૩,૪૩૯ નવા કેસો નોંધ્યા છે. વર્તમાનમાં હોસ્પિટલોમાં કુલ ૧,૬૧૩ કોવિડ દર્દીઓ દાખલ છે જેમાં ૩૪૬ ગંભીરરીતે બીમાર છે કે જેઓને ઓક્સિજન સપ્લિમેન્ટની જરૂર પડી રહી છે. જ્યારે ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખતા ત્યાંના કેટલાંક વિસ્તારોમાં અધિકારીઓએ સ્કૂલ બંધ કરાવી છે અને ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા ચીને મોટાપાયે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

(12:00 am IST)