Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સપ્ટેમ્બર-ઓકટોબરમાં અતિ ભારે વરસાદની ૧૨૫ ઘટનાઓ

છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે આ ઘટના

નવી દિલ્હી,તા. ૩ : હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું કે દેશમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓકટોબરમાં અતિ ભારે વરસાદની ૧૨૫ ઘટનાઓ નોંધાઇ છે જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે. આનુ કારણ દક્ષિણ પશ્ચિમ મોન્સુનનું મોડેથી પાછુ ફરવું અને સામાન્ય કરતા વધારે સંખ્યામાં નીચા દબાણના ક્ષેત્રો બનવાનું રહ્યું. આમ તો આ વર્ષે ચોમાસુ સામાન્ય રહ્યું અને આ સતત ત્રીજુ વરસ છે જ્યારે દેશમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્ય અથવા સામાન્યથી વધારે નોંધાયું ૨૦૧૯ અને ૨૦૨૦માં વરસાદ સામાન્યથી વધારે પડ્યો હતો.

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અતિભારે વરસાદની ૮૯ ઘટનાઓ નોંધાઇ જે આ ૨૦૧૭માં ૨૯ નોંધાઇ હત. તો આ વર્ષે ઓકટોબરમાં અતિભારે વરસાદની ૩૬ ઘટનાઓ નોંધાઇ જે આ મહિનામાં ગયા વર્ષે ૧૦, ૨૦૧૯માં ૧૬, ૨૦૧૮માં ૧૭ અને ૨૦૧૭માં ૧૨ નોંધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે આ બે મહિના દરમ્યાન નવ વાર હળવા દબાણના ક્ષેત્રો બન્યા જેમાં બે ચક્રવાત અને એક ડીપ ડીપ્રેશન સામેલ છે. ઉતરાખંડમાં ૧૮ અને ૧૯ ઓકટોબરે થયેલ અભૂતપૂર્વ અતિભારે વરસાદના કારણે ૭૯ લોકોના જીવ ગયા હતા. ઓકટોબર મહિનામાં સામાન્ય રીતે અહીં ૩૫.૩ મીલીમીટર થતો હોય છે. તેની સામે આ વર્ષે ૨૦૩.૧ મીલીમીટર વરસાદ થયો.

સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ મોન્સુન ૧૫ ઓકટોબરે દેશમાંથી વિદાય થતુ હોયછે પણ આ વખતે તે ૨૫ ઓકટોબરે વિદાય થયું હતું. ૧૯૭૫ પછી દક્ષિણ પશ્ચિમ મોન્સુન સાતમી વાર મોડું વિદાય થયું છે.

(9:51 am IST)