Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દરેક બાળકને PCV રસી અપાશેઃ હવે ન્યુમોનિયાના કારણે મૃત્યુ નહીં થાય

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આજથી આખા દેશમાં રસીકરણ

નવી દિલ્હી,તા.૩:  દેશને પોલિયો મુકત કર્યા બાદ હવે સરકારનો પ્રયત્ન છે કે દરેક બાળકને ન્યુમોનિયાથી બચાવવા માટે PCV રસી અનિવાર્યપણે લગાવવામાં આવે. PCVની રસી બાળકને ન્યુમોનિયા જોખમથી બચાવે છે અને બાળકની હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા ઘટાડી નાખે છે. પહેલા આ રસી ફકત પાંચ રાજયોમાં લગાવવામાં આવતી હતી. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આજથી આખા દેશમાં આ વેકસીન લગાડવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે આ રસીકરણની શરૂઆત કરી. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને ગરીબ પરિવારના બાળકો પણ હવે આ રસી લઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 'દરેકને વેકસીન, મફત વેકસીન'નામનું અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાન હેઠળ મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી દરેક બાળકને ફ્રીમાં રસી લગાવવામાં આવે છે. જણાવી દઈએ કે જન્મ બાદ ૬૦ ટકા બાળકોનું મૃત્યુ ન્યુમોનિયાથી થાય છે. આ વેકસીનથી બાળકોને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીથી બચાવી શકાશે. સરકારનો પ્રયત્ન છે કે એક પણ બાળકનું મૃત્યુ બીમારીથી ન થાય અને એ બાબત સુનિશ્યિત કરવામાં આવે.

કેન્દ્ર સરકાર તરફથી આ વેકસીન અભિયાનની શરૂઆત કરીને કહેવામાં આવ્યું કે PCV એક સુરક્ષિત વેકસીન છે. બીજી રસીની જેમ આ રસીમાં પણ બાળકને સામાન્ય તાવ અને રસી લીધાની જગ્યાએ સોજો, દુખાવો અને લાલાશ જોવા મળી શકે છે. PCVના ત્રણ ડોઝ હોય છે જેનો પહેલો ડોઝ દોઢ મહિને, બીજો ડોઝ સાડા ત્રણ મહિને અને ત્રીજો ડોઝ નવ મહિને લાગે છે.

ન્યુમોનિયા ફેફસાંની બીમારી છે જેને કારણે શરીરમાં લોહીને જરૂરી ઓકિસજન નથી મળી શકતું. તેનું કારણ બેકટેરિયા, વાયરસ અને ફંગસ હોઈ શકે છે. ન્યુમોનિયાને લીધે એલ્વીઓલાઈમાં દ્રવ્ય ભરાઈ જાય છે અને પછી તેના ઓકિસજન માટે જગ્યા નથી બચતી. એટલે લોહીને ઓકિસજન પહોંચાડવાનું જે મુખ્ય કામ એલ્વીઓલાઈનું છે તે અટકી જાય છે.

(9:53 am IST)