Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

એક એવો પતિ... જે મંગળસૂત્ર પહેરીને જતો હતો ઓફિસ

નવી દિલ્હી, તા.૩: ભારતીય લગ્નો પોતાની પરંપરાઓ માટે પણ એટલા જ પ્રખ્યાત છે જેટલા તેમની જીવંતતા માટે. ૨૯ વર્ષના શાર્દુલ કદમ અને ૨૭ વર્ષની તનુજાએ ગત ડિસેમ્બરમાં લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન જીવનમાં એક નવો વળાંક આવ્યો. બંનેએ એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા. સામાન્ય રીતે લગ્નમાં ફકત દુલ્હન જ આ પ્રતિબદ્ઘતાનું પ્રતિક પહેરતી હોય છે.

શાર્દુલ મહારાષ્ટ્રનો રહીશ છે અને પુનાથી ૩૦ કિલોમીટર દૂર રહે છે. તેના જણાવ્યાં મુજબ મરાઠીઓમાં મંગળસૂત્ર ખુબ મહત્વ ધરાવે છે. આથી લગ્ન સમયે મંગળસૂત્ર રિંગની જેમ એકસચેન્જ કર્યું.

શાર્દુલે આમ કરીને લૈંગિક સમાનતા સ્થાપિત કરવા અને પિતૃસત્ત્।ાની પ્રથા પર સવાલ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. શાર્દુલનું કહેવું છે કે મારા માટે મંગળસૂત્ર લગ્નનું લેબલ નહીં પરંતુ પ્રેમનું પ્રતિક છે. તે કહે છે કે જયારે મે અને તનુજાએ ચાર વર્ષ પહેલા ડેટિંગ શરૂ કર્યું, અમે નક્કી કરી લીધુ હતું કે અમે એકબીજાથી અલગ કઈ કામ નહીં કરીએ.

શાર્દુલે જયારે આ અંગે તનુજા સાથે ચર્ચા કરી તો તે સ્તબ્ધ રહી ગઈ. શાર્દુલે તેને કહ્યું કે આ આપણા લગ્નનું પહેલું ડગલું છે અને હું આપણા લગ્નના દિવસથી બરાબરી કરવા માંગુ છું. મેં મારા માતાપિતાને જવાબદારીઓ શેર કરતા જોયા હતા અને તેમનું અનુકરણ કરવા માંગતો હતો.

શાર્દુલ માને છે કે જયારે સગાઈમાં રિંગ એકસચેન્જ થાય છે તો કોઈ સવાલ ઉઠતો નથી. પરંતુ મંગળસૂત્ર પર લોકો કેમ સવાલ ઉઠાવે છે, તે સમજ બહાર છે.

શાર્દુલે જણાવ્યું કે સમગ્ર સમારોહમાં સંકોચ કરનારા એકમાત્ર પૂજારી હતા. બંનેએ લગ્નના સમયે સાત ફેરા લીધા અને અલગ અલગ શપથ વાંચવાની જગ્યાએ સાત શપથ એક સાથે વાંચ્યા. શાર્દુલની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના ખુબ વખાણ પણ થયા અને ટીકા પણ. તેણે જણાવ્યું કતે મને મોટા પાયે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. મારા મીમ બનતા હતા અને મીમ પેજો પર મારી તસવીર શેર થતી હતી. આ ખરેખર નિરાશાજનક હતું કારણ કે આ એક વ્યકિતગત ઘટના છે.

શાર્દુલે કહ્યું કે લોકો વિચારે છે કે મે પરંપરા તોડવાની કોશિશ કરી પરંતુ મારો હેતુ એક સકારાત્મક બદલાવ લાવવાનો હતો. પરંતુ અનેક દિવસો બાદ લોકોએ જયારે મંગળસૂત્ર બનાવનારા ડિઝાઈનરમાં રસ દાખવ્યો તો મને ખુબ સારું લાગ્યું.

શાર્દુલ કહે છે કે મંગળસૂત્ર તૈયાર કરવા માટે ખુબ મહેનત કરવી પડી. તેણે આ માટે એક ફીમેલ ડિઝાઈનર હાયર કરી અને કાળા મોતી સાથે એક મોટું પેન્ડેન્ટ બનાવડાવ્યું. તેણે પત્ની કરતા પણ મોટું મંગળસૂત્ર બનાવડાવ્યું. જેના કારણે લોકો હંમેશા તેને ટોકતા હતા કે તેનું મંગળસૂત્ર તનુજાના મંગળસૂત્ર કરતા પણ મોટું છે. એટલે સુધી કે દરેક તહેવાર અને ફંકશનમાં બંને એક બીજાને મંગળસૂત્ર પહેરાવે છે કારણ કે આમ કરીને તેમને પોતાના લગ્નનો દિવસ યાદ આવે છે.

માર્કેટિંગ કમ્યુનિકેશન કન્સલટન્ટ શાર્દુલ જયારે ઓફિસ મંગળસૂત્ર પહેરીને ગયો તો તેને લાગ્યું કે ઓફિસમાં લોકો તેને જજ કરશે પરંતુ એવું કઈ થયું નહીં ઉલટું બધા તેના મનસૂબા જાણીને ખુશ થતા હતા. જો કે લગ્નના અનેક દિવસ સુધી તે ટ્રોલ થતો રહ્યો. આથી તેના વિશે બધાને પહેલેથી ખબર જ હતી. શરૂઆતમાં તે ઓફિસમાં મોટું મંગળસૂત્ર પહેરીને જતો હતો પરંતુ ત્યારબાદ તેણે મંગળસૂત્રનું બ્રેસલેટ બનાવી લીધુ અને હવે તે ખાસ અસરે જ પત્નીની જેમ મોટું મંગળસૂત્ર પહેરે છે.

(10:21 am IST)