Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧૯૦૩ નવા કેસ : ૩૧૧ લોકોના મોત

આજે કોરોનાના કેસમાં થયો નજીવો વધારો : સાજા થવાનો દર ૯૮.૨૨ ટકાથી વધુ

નવી દિલ્હી તા. ૩ : સમગ્ર વિશ્વમાં કોરોનાનાં મહામારી આજે પણ એક ચિંતાનો વિષય છે. દુનિયામાં આજે કોરોનાનાં કુલ ૨૪૭,૪૪૭,૯૨૩ કેસ નોંધાયા છે. વળી ૫,૦૧૧,૭૮૬ લોકોનાં મોત કોરોનાનાં કારણે થયા છે. જો કે ભારત માટે સારા સમાચાર છે કે અહી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧ હજાર ૯૦૩ નવા કેસ નોંધાયા છે, જે ગત દિવસ કરતા વધુ છે. જોકે, આ જમ્પ નજીવો છે. વળી, કોરોનામાંથી સાજા થવાનો દર ૯૮.૨૨ ટકાથી વધુ રહ્યો છે, જે એક સારો સંકેત છે. છેલ્લા એક દિવસમાં કોરોનાનાં ૧૪ હજાર ૧૫૯ દર્દીઓ સાજા થયા છે, જે બાદ હવે કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા ૩ કરોડ ૩૬ લાખ ૯૭ હજાર ૭૪૦ પર પહોંચી ગઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે ૩૧૧ લોકોનાં મોત પણ થયા છે. દેશમાં કોરોનાનાં સક્રિય કેસ એક ટકાથી ઓછા રહ્યા છે. હાલમાં, તે ૦.૪૪ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ માં રોગચાળાની શરૂઆત પછીનો સૌથી ઓછો આંકડો છે.

હવે ભારતમાં કોરોનાનાં માત્ર ૧ લાખ ૫૧ હજાર ૨૦૯ સક્રિય દર્દીઓ બચ્યા છે. છેલ્લા ૨૫૨ દિવસમાં આ સૌથી નીચો આંકડો છે. વળી, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧.૧૮ ટકા છે અને તે છેલ્લા ૪૦ દિવસથી ૨ ટકાથી નીચે રહ્યો છે.

(11:28 am IST)